પંજાબમાં જ્યાં કીસાન આંદોલન બાદ ભાજપને પગ મુકવાની જગા નથી બચી ત્યાં લોકાર્પણ રેલી કરવા ગયેલા પીએમ મોદી કીસાનોના વિરોધને એમની હત્યાના કાવતરામાં ખપાવી રાજકીય લાભ મેળવવાની નૌટંકી કરી રહ્યા હોવાનું ગુજરાત કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે.
આ સમગ્ર દેશના ખેડુતોનું અપમાન છે.
જયરાજસિંહે જણાવ્યું કે લોકશાહીમાં વિરોધ કરનાર ખેડુતોને પોતાની હત્યાની સાજીશમાં ખપાવવા રાજકીય રોકકળ કરતા વડાપ્રધાનની જીદના કારણે સાતસો જેટલા કીસાનોએ જીવ ગુમાવ્યા છે. દીલ્હીને ઘેરીને બેઠેલા આ ખેડુતો પર વોટર કેનન, લાઠી-ગોળી, લોખંડના ખીલા ઉપરાંત બહારના તત્વો મોકલી હુમલા કરાવ્યા બાદ પણ મોદી સરકાર સામે અડગ રહેનાર આ ખેડુતોએ તો પોતાના ઘેર પહોચી ” હાશ મોદીની પોલીસથી બચી ગયા” એવા ટ્વીટ તો નહોતા કર્યા.
શહીદી વ્હોરવાનું કલેજુ ના હોય એ શહીદ થવાના ખ્વાબમાં રાચે એવી માનસિકતા અહી છતી થાય છે.
તેમણે કહ્યું કે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ચુંટણી આવે ત્યારે એમની હત્યાના કાવતરાઓનો પર્દાફાશ થતો. પાંચ વરસ વેકેશન ભોગવતા આતંકીઓ માત્ર ચૂંટણી સમયેજ સક્રીય થતા હોય તેવુ બનતુ. આવુ જ કંઈક પંજાબની ઘટનામાં દેખાય છે. પંજાબ તો પોતાનું છે જ નહી પણ હરિયાણા અને યુપી પણ હાથ થી જતુ રહેશે એવી બીકમાં ખોટી સહાનુભૂતિ મેળવવાના હવાતિયા મરાઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે આખા પંજાબમાં કીસાન મજદુર સંઘર્ષ સમિતિ દ્વારા પ્રધાનમંત્રીના કાર્યક્રમનો બહીષ્કાર કરવા તમામ હાઈવે અને જીલ્લા મથકોએ દેખાવો યોજ્વાની જાહેરાત કરેલી. કીસાન નેતાઓ સાથે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિહ શેખાવતની ત્રણ તબક્કામાં વાતચીત ચાલી જે નિષ્ફળ ગઈ.
જયરાજસિંહે કહ્યું કે ખુદ શેખાવત કીસાનોની ભાવનાઓથી અવગત હતા. આમ છતાં ભટીંડાથી ફીરોજપુરનો વડાપ્રધાનનો નિશ્ચિત કાર્યક્રમ હેલીકોપ્ટર મારફત જવાનો હતો તે બદલીને અચાનક રોડ માર્ગે જવાનુ નક્કી થયુ. રાજ્ય સરકારે રોડ ક્લિયરન્સ માટે જરૂરી કામગીરી કરી હતી પણ કોઈ એક સ્થળે ખેડુતોએ વાહનોથી અવરોધ સર્જ્યો જેના કારણે પ્રધાનમંત્રીએ પરત ફરવુ પડ્યુ.
તેમણે કહ્યું કે જ્યારે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય ત્યારે એસપીજી ૪૮ કલાક પહેલા સમગ્ર રૂટનો કબજો લઈ લે છે એટલું જ નહીં રાજ્યની પોલીસ પણ સિઘી એસપીજી અને કેન્દ્રીય એજન્સીઓના કબ્જા હેઠળ આવી જતી હોય છે. સાથે સાથે દેશનું ગુપ્તચર તંત્ર અને RAW અને મિલેટ્રી ઈન્ટેલિજન્ન્સ પણ સક્રિય હોય છે. એરપોર્ટ પર પણ આકસ્મિક સેવાઓ માટેની સંપૂર્ણ વ્યવસ્થા હોય છે. નજીકમાં સંપૂર્ણ સુવિધા ધરાવતી હોસ્પિટલોમાં પણ સંપૂર્ણ વ્યવસ્થા રાખવાની હોય છે. પ્રધાનમંત્રીના લોહીના ગ્રુપ અને બાકીની તમામ તબીબી સેવાઓ પણ અનામત રાખવામાં આવે છે.
તેમણે ઘટના અંગે ખેદ વ્યક્ત કરી કહ્યું કે ચોક્કસપણે આ ના થવુ જોઈએ. પ્રધાનમંત્રી આખા દેશની અમાનત છે એમાં બે મત નથી એમની સુરક્ષામાં ચૂક ના જ રહેવી જોઈએ. પરંતુ કોઈ વિરોધ વ્યક્ત કરવા તમારા કાફલાને અવરોધવામાં સફળ થાય તો એ હત્યારા છે એમ કહેવુ એ પણ સ્વીકાર્ય ના હોઈ શકે. કારણકે લોકશાહીમાં વિરોધ સહજ હોય છે એમાં મારો જીવ બચી ગયો એ કહેવું વધુ પડતું છે.
જયરાજસિંહે કહ્યું કે મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા અને ત્યારે ગુજરાતના સીએમ તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે જુતું ફેંકાયેલુ એ સમયે ભાજપ એને જનઆક્રોશમાં ખપાવી ખુશ થયુ હતુ અને આજે હું બચી ગયોનો નકલી ભય દેખાડનાર નરેન્દ્ર મોદી ચુપ રહ્યા હતા.
તેમણે કહ્યું કે આડા દિવસે ક્યાંય ના દેખાતા પણ પીએમ મોદીનું સહેજ રૂવાડું ફરકે ને હાય તોબા કરવા આવી જતા સ્મૃતિબેન એ વખતે ક્યાં હતા ? જુતાની જગ્યાએ બોમ્બ પણ ફેકી શકાત. ખતરો એ વધુ ગણાય કે ચુક એ મોટી કે આજની ?
જયરાજસિંહે અંતમાં કહ્યું કે કોંગ્રેસ અને સાહસ.. કોંગ્રેસ અને શહીદી એ એક સિક્કાની બે બાજુ છે. કોંગ્રેસે એના બે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ ગુમાવ્યા છે. કોંગ્રેસ કરતા વધુ કોઈ આ વાત જાણી શકે એમ નથી કે શહાદત શુ કહેવાય? ઈંદીરા ગાંધી અને રાજીવ ગાંધીના લોહીથી લથપથ લાશો પોતાની નજરે જોયા બાદ પણ રાજનીતિમાં આવનાર રાહુલ ગાંધીએ તો ક્યાંક મને કોઈ મારી નાખશે એવો ડર જાહેર નથી કર્યો. પીએમ મોદીએ રાહુલ ગાંધી પાસેથી આ હિંમત મેળવવી જોઈએ.