ગાંધીનગર– ગુજરાતમાં એક યુનિવર્સિટીએ એવી પદ્ધતિ દાખલ કરી છે કે જે વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા આપવી હોય તે ઓનલાઇન આપી શકે છે, અને જો કોઇને ઓફલાઇન આપવી હોય તો પણ આપી શકે છે. બન્ને વિકલ્પો સ્ટુડન્ટ્સ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે.
ગુજરાત સરકારની ગાઇડલાઇન પ્રમાણે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિવિધ શાખાઓના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ સંક્રમણના સમયમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું ના થાય તેની સંપૂર્ણ તકેદારી રાખવા માટે જીટીયુના પરીક્ષા વિભાગ દ્વારા સંલગ્ન તમામ કોલેજના પ્રિન્સિપાલ સાથે ઓનલાઇન બેઠક કરવામાં આવી હતી.
જીટીયુના પરીક્ષા વિભાગના અધિકારીઓ દ્વારા સંલગ્ન તમામ સંસ્થાઓને પરીક્ષાના આયોજન દરમિયાન સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તથા કોઈપણ વિદ્યાર્થી કે સુપરવાઇઝરને પરીક્ષાખંડમાં માસ્ક પહેર્યા વિના કે થર્મલ ટેમ્પરેચરની ચકાસણી કર્યા વગર વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. એ ઉપરાંત જે વિદ્યાર્થીઓ તેમના વતનના જિલ્લામાં છે, તેમને જિલ્લા સ્થળની પસંદગી કરવા દેવામાં આવશે.
જીટીયુએ વિદ્યાર્થીઓની સાનુકૂળતા માટે ઓનલાઇન પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા કરી છે. જેનું રજીસ્ટ્રેશન તારીખ 19 જૂન સુધી દરેક વિદ્યાર્થીઓ કરી શકશે. જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા ઓનલાઈન કે ઓફલાઈન આપવાની પસંદગી કરવાની રહશે. જીટીયુના આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા દૂર થઈ છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોના છે, તેમને પણ આ ઓનલાઈન પરીક્ષાના કારણે ફાયદો થશે.