ગાંધીનગર- ભારતની જનતા માટે અચ્છે દિન આવતા નથી પરંતુ કોંગ્રેસ માટે કાયમ અચ્છે દિન આવી રહ્યાં છે. મધ્યપ્રદેશ પછી ગુજરાતના ધારાસભ્યોનું ખરીદવેચાણ શરૂ થયું છે. બે ધારાસભ્યોએ તો રાજીનામા આપી દીધા હોવાનું સંભળાય છે પરંતુ તેની પાછળ 10 થી 12 ધારાસભ્યો પણ રાજીનામા આપે તેવી સંભાવના છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી રજાના દિવસે પણ રાજીનામા લેવા માટે અવેલેબલ હોય છે.
ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ખાસ કરીને મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્યો માલામાલ થવાના છે. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું ઓપરેશન કર્યા પછી ભાજપે 22 ધારાસભ્યોને પક્ષપલ્ટો કરવા મજબૂર કર્યા છે તેમ ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો જીતવા ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો પણ કેવાં છે. રૂપિયા માટે વેચાઇ શકે છે. રૂપિયા આપીને ટિકીટ ખરીદી છે અને રૂપિયા માટે વેચાઇ રહ્યાં છે.
રાજ્યસભાની ત્રીજી બેઠકના ઉમેદવાર નરહરિ અમીનનું મૂળ ગોત્ર કોંગ્રેસનું છે. ભાજપે ચાલાકી વાપરીને તેમને ત્રીજા ઉમેદવાર બનાવ્યા છે કે જેથી કોંગ્રેસના ધારાસભ્યોના મતો લેવા માટે ભંગાણ પડી શકે. સૂત્રો કહે છે કે અત્યાર સુધી બે ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે પરંતુ સત્તાવાર તેની જાહેરાત થઇ નથી. ભાજપના સૂત્રો કહે છે કે કોંગ્રેસના 10 થી 12 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.
આ સંજોગોમાં બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા કે જેમના એક વોટથી કોંગ્રેસના સિનિયર નેતા અહમદ પટેલ રાજ્યસભાની ચૂંટણી જીતી ગયા હતા તેમણે કોંગ્રેસ માટે ફેસબુક એકાઉન્ટમાં એક પોસ્ટ મૂકી છે. હિન્દી ભાષામાં પોસ્ટ મૂકીને તેમણે કોંગ્રેસને ચેતવણી આપી છે.
તેમણે લખ્યું છે કે રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. શું આ બન્ને ધારાસભ્યો 100 કરોડમાં વેચાયા છે તેવો પ્રશ્ન તેમણે કર્યો છે. સાથે સાથે બીજો પ્રશ્ન કર્યો છે કે 100 કરોડમાં એક ધારાસભ્ય વેચાયો કે બે વેચાયા છે… જનતાએ જેમને મતો આપીને ચૂટ્યાં છે તેઓ ચૂંટણી જીત્યા પછી માત્ર થોડાં રૂપાય ખાતર વેચાઇ જાય છે. આવા ધારાસભ્યો કે સંસદસભ્યો પર દેશદ્રોહ લાગવો જોઇએ.
કોંગ્રેસના ધારાસભ્યો એક તરફ જયપુર જઇ રહ્યાં છે ત્યારે કેટલાક ધારાસભ્યો ગૂમ થયેલા છે. કોંગ્રેસને દહેશત છે કે ભાજપના નેતાઓ કોંગ્રેસના ધારાસભ્યોને ગૂમ કરી રહ્યાં છે. ગુજરાત વિધાનસભામાં 26મી માર્ચે રાજ્યસભાની ચૂંટણી થવાની છે ત્યારે જો ભાજપ પાંચ થી સાત ધારાસભ્યોના રાજીનામાં અપાવી દે તો કોંગ્રેસના બીજી પ્રેફરન્સના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ ચૂંટણી હારી જશે. પ્રથમ પ્રેફરન્સના મતો ભરતસિંહ સોલંકીને મળવનાના છે.
બીજી તરફ ભાજપ તરફથી સત્તાવાર ઉમેદવારોમાં અભય ભારદ્વાજ અને રમિલા બારા છે. ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે કોંગ્રેસી ગોત્રના નરહરિ અમીનને મૂક્યા છે. આ નેતા આજે પણ કોંગ્રેસના નેતાઓ સાથે સારા સબંધો ધરાવે છે. કોંગ્રેસના પાંચ થી સાત સભ્યો જો ચૂંટણી સમયે વિધાનસભામાં ગેરહાજર રહે અથવા તો ક્રોસ વોટીંગ કરે તો નરહરિ અમીન માટે ચૂંટણી જીતવી આસાન બની જશે.