Surat સુરતમાં વોર્ડ નં.18ની પેટા ચૂંટણી માટે ચૂંટણી તંત્ર તૈયાર, ચાર પક્ષના ઉમેદવારો વચ્ચે ચતુષ્કોણિય જંગ, 16મીએ મતદાન
Surat સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર-18 લીંબાયત, પરવત, કુંભારીયાની પેટા ચૂંટણીમાં ચાર રાજકીય પક્ષો વચ્ચેનો ચતુષ્કોણિય જંગ જામ્યો છે.ભાજપના પાંચ હજાર કાર્યકર્તાઓની પદયાત્રા, કોંગ્રેસની ગ્રુપ મિટીંગો અને આપના ડોર ટુ ડોર પ્રચારના કારણે ચૂંટણીમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ વોર્ડમાં કુલ એક લાખ પાંચ હજાર મતદારો છે. અને 34 મતદાન મથકો અને 43 મતદાન બુથ પર 16મી ફેબ્રુઆરીન રોજ મતદાન થવાનું છે. ભારે ચતુષ્કોણિય રાજકીય પક્ષો વચ્ચે ચૂંટણી જીતવા ભારે રસાકસી રહેશે.
Surat જાણવા મળેલી વિગતો અનુસાર વોર્ડ નંબર- 18ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુ કાછડ, કોંગ્રેસના ઉમેદવાર રામનંદી, આપના ઉમેદવાર સુરજ આહીર અને ઓવૈસીની એઆઇએમઆઈએમના ઉમેદવાર તથા અપક્ષોના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના કોર્પોરેટર અને મુખ્ય ચૂંટણી કન્વીનર દિનેશ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, ચૂંટણીનો માહોલ અને કાર્યકર્તાઓ તેમજ મનદારોનો ઉત્સાહ જોતા ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ જંગી મતોથી જીતશે અને બાકીના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થશે જયારે કોંગ્રેસના પ્રમુખ ધનસુખ રાજપુત અને પ્રવક્તા કલ્પેશ બારોટે જણાવ્યું હતું કે ભાજપ ઈવીએમ સાથે ચેડા કરી શકે પરંતુ મતદારો સાથે નહીં. મતદારોનો ઝોક કોંગ્રેસ તરફી રહેશે. 16મી ફેબ્રુઆરીના રોજ 93 મતદાન મથકો ઉપર મતદાન થશે અને 18મી ફેબ્રુઆરીના રોજ ગોડાદરા મહર્ષિ આસ્તિક સાર્વજનિક સ્કૂલમાં મતગણતરી હાથ ધરાશે.
પેટા ચૂંટણીમાં કુલ 1,05000 મતદારો છે જેમાં 47268 મહિલા તેમજ 58643 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. 130 ઈવીએમ મશીનનો ઉપયોગ થશે અને 610 પોલીસ સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે.