Board exam : બોર્ડ પરીક્ષામાં રાઈટર મેળવવા માટે શું નિયમો છે? જાણો ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે જરૂરી માહિતી!
અકસ્માતગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે રાઈટર મેળવવા સિવિલ સર્જનનું પ્રમાણપત્ર ફરજિયાત રહેશે, અન્યથા રાઈટર મંજૂર કરવામાં નહીં આવે
વિદ્યાર્થીઓની સગવડતા માટે શનિવાર અને રવિવારે પણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખુલ્લી રહેશે, જેથી સમયસર અરજી કરી શકાય
અમદાવાદ, શનિવાર
Board exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ આગામી 27મીએ શરૂ થવાની છે. જો કોઈ વિદ્યાર્થીને લખવામાં મુશ્કેલી હોય, ખાસ કરીને અકસ્માત જેવા કિસ્સામાં, તો તે માટે રાઈટરની વ્યવસ્થા ઉપલબ્ધ છે. રાઈટર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી જાણવી જરૂરી છે.
રાઈટર માટે કેવી રીતે અરજી કરવી?
બોર્ડ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રાઈટરની સુવિધા આપવામાં આવે છે. રાઈટર મેળવવા માટે વિદ્યાર્થીઓએ જિલ્લાની શિક્ષણ અધિકારી કચેરીમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે. આમાં શાળાના આચાર્યનો ભલામણ પત્ર અને સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જમા કરાવવું ફરજિયાત છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ધોરણ 8 અને 9ની માર્કશીટની નકલ પણ રજૂ કરવી પડે.
અકસ્માતગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે વિશેષ નિયમો
જે વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા અકસ્માત થાય અને જેના કારણે તેઓ જાતે લખવામાં અસમર્થ હોય, તેઓ પણ રાઈટર માટે અરજી કરી શકે. તે માટે સિવિલ સર્જન દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર જરૂરી રહેશે. માત્ર ગંભીર શારીરિક ઈજાઓના કિસ્સામાં જ તાત્કાલિક રાઈટર મંજૂર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓની સગવડતા માટે, રાઈટરની મંજૂરી માટે શનિવાર અને રવિવારે પણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખુલ્લી રહેશે. જેઓ રાઈટર મેળવવા માંગતા હોય, તેઓ યોગ્ય દસ્તાવેજો સાથે સમયસર અરજી કરી શકે.