ગુજરાત ભરમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવ બની રહ્યા છે. એક તરફ ભાજપના નેતાઓ પરપ્રાંતીયો પરના હુમલાને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવે છે તો બીજી તરફ ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયા અને જાહેરમાં તેમના વિરુદ્વ નિવેદન અને પોસ્ટ મૂકવામાં આવી રહી છે. છોટાઉદેપુરના ભાજપના ખચાનચીએ પરપ્રાંતીયોને કદવા કહી તેમના વિરુદ્વ પોસ્ટ મૂકતાં ચકચાર જાગી છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
એક તરફ રાજ્યની ભાજપ સરકાર દ્વારા પરપ્રાંતિયોને ગુજરાતમાં તમામ સુરક્ષા આપવામાં આવતી હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે, તો બીજી બાજુ ભાજપના જ કાર્યકરો દ્વારા ખુલ્લેઆમ પરપ્રાંતીયોને ધમકાવવામાં આવી રહ્યાં છે. છોટાઉદ્દેપુરના ભાજપના કોષાધ્યક્ષ સચિન સરકાર તડવીએ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પરપ્રાંતિય વિરુદ્ધ પોસ્ટ મૂકી છે, જેમાં પરપ્રાંતીયોને ધમકીઓ પણ આપવામાં આવી છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર સચિન તડવીના પત્ની રાજશ્રીબેન તડવી ભાજપના મેન્ડેટ પરથી ચૂંટાયેલા વોર્ડ નંબર 6ના નગરપાલિકાના સભ્ય છે,
એક તરફ છોટા ઉદેપુરના જિલ્લા કલેકટર અને નગર પાલિકાના પ્રમુખ દ્વારા પરપ્રાંતીયોને સુરક્ષાની ખાતરી આપવા માટે વિવિધ પ્રયોગો કરવામાં આવી રહ્યાં છે, તો બીજી બાજુ રાજકીય લાભ ખાટવા માટે પાર્ટીના કાર્યકરો બેફામ બનતા પંથકમાં રોષની લાગણી વ્યાપી છે.
આખાય મામલાની ગંભીરતા જણાતા પોલીસ ખુદ ફરિયાદી બની સચીન તડવી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. બીજી બાજુ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ શહેર મંત્રીએ પણ સચીન તડવીને તમામ હોદ્દા પરથી ફરજ મુક્ત કરી દીધા છે.