ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓના પડઘમ વાગી ચુક્યા છે, ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી… સૌ કોઈ મેદાને ઉતરી ચૂક્યા છે… તેવામાં સત્તાધારી ભાજપે આ ચુંટણીમાં વિધાનસભાની દરેક બેઠકો એટલે કે કુલ 182 બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે, અને જેનો સમગ્ર કાર્યભાર છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપર.
ભાજપ રાજ્યમાં 27 વર્ષોથી સત્તા ઉપર છે, ત્યારે આ વખતે પણ જંગી બહુમતીથી બેઠકો મેળવીને વિરોધીઓને સાફ કરવાની મંશા ધરાવે છે, જેના માટે ભાજપનો શું પ્લાન છે,કેવી છે તૈયારીઓ તેની વાત કરીશું.
2017 ની ચુંટણી પરિણામોના આધારે માઇક્રો પ્લાનિંગ
વર્ષ 2017 ની ચુંટણીઓમાં બહુમતી માટે ભાજપને ભારે ભીડ પડેલી, તેવામાં આ વખતે જે બેઠકો પર ભાજપ હાર્યું છે તેના નાનામાં નાના કારણો શોધીને તેના પર કામ કરવાની તૈયારીઓ શરૂ કરી છે, જેના માટે કોંગ્રેસને તોડવા માટે પણ ભાજપ ઓછી પડતી નથી તેવું દેખાઈ આવે છે.
એક એક બુથ પર કામગીરી
ગત ચુંટણીઓમાં જે બુથ ઉપર ભાજપ તરફી ઓછું મતદાન થયેલું તેવા બૂથમાં મતદારોને ભાજપ તરફી કરવા માટે શું શું કરી શકાય તેની તૈયારી કરી ચુકાઈ છે, નાનામાં નાના ગામડા હોય કે શહેરનું એક એક મતદાન બુથ… દરેક જગ્યાએ લોકો સુધી પહોંચીને ચુંટણી પહેલા તેમને ભાજપ તરફી કરીને મતો મેળવવા માટે મોટા પાયા પર કામગીરી શરૂ કરાઈ છે.
કોંગ્રેસના માળખાને નબળી પડીને બેઠકો મેળવવી
ભાજપને ખબર છે કે કોંગ્રેસ રાજ્યના દરેક બુથ પર તેને સીધી ટક્કર આપે છે, ત્યારે કોંગ્રેસના નાનામાં નાના કાર્યકર્તાઓથી લઈને ધારાસભ્ય સુધીના નેતાઓને પાર્ટીમાં ભેળવીને જે તે સ્થાને કોંગ્રેસનું માળખું ભાંગીવામાં આવે, જેનો સીધો ફાયદો મતદાન સમયે ભાજપને મળી શકે.
જે બેઠકો પર ભાજપ ઓછા મતોથી હાર્યું છે ત્યાં વધુ જોશથી કામગીરી કરાવવી
2017 ની વિધાનસભા ચુંટણીઓમાં 10 થી 15 બેઠકો પર ભાજપ બહુ ઓછાં મતોથી હારેલું, અને એટલે જ હવે એ બેઠકો પર થોડું વધુ જોર કરવામાં આવે તો બહુ આસાનીથી આ બેઠક પર ભાજપ જીતી શકે, આવી બેઠકો ભાજપ કોઈ પણ કાળે ગુમાવવા માગતી નથી.
ધાર્મિક, સામાજિક સંગઠનો થકી લોકો સુધી પહોંચવું
ભાજપ ધાર્મિક અને સામાજિક સંગઠનોનો વર્ષોથી કોઈને કોઈ રીતે ચુંટણીઓ સમયે પોતાની તરફ માહોલ બનાવવા માટે ઉપયોગ કરતું રહ્યું છે, જેનો પાર્ટીને ખુબ ફાયદો મળ્યો છે, અને એટલે જ આવા સંગઠનોને ભાજપ ચુંટણી સમયે પોતાના કરીને રાખતુ આવ્યું છે.
અંતે… ચુંટણી સમયે દરેક પાર્ટીઓ પોતાની રીતે સમીકરણોને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરતું હોય છે, પરંતુ અહીંયા ભાજપને તેનો વધારે વ્યાપ મળે છે… જેનું કારણ એટલું જ કે, ભાજપનું મૂળભૂત સંગઠન ખૂબ મજબૂત છે, ભાજપ તરફી માહોલ હંમેશા પોઝિટિવ રહ્યો છે, અને તેથી જ… ભાજપ હંમેશા લોકમુખે અને આંગળીઓના ટેરવે ચમકતું રહ્યું છે.