BJP: PM મોદીની મુલાકાત પહેલાં ગુજરાત સરકાર અને ભાજપના નેતાઓનું BP કેમ વધી ગયું?
BJP: વડાપ્રધાન મોદી બરાબર દસ દિવસ પછી ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતમાં આ વખતે વડાપ્રધાન મોદીની વિઝીટ પહેલાં ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપના નેતાઓ હાંફળા-ફાંફળા જોવા મળી રહ્યા છે. ભારે વરસાદ ઉપરાંત અનેક વિધ વિવાદોથી ગુજરાતમાં સરકાર અને ભાજપના સંગઠન સહિત જૂથબંધીને લઈ ધમાચકડી ચાલી રહી છે. આવી સ્થિતિની વચ્ચે વડાપ્રધાન મોદીની ગુજરાત વિઝીટ પહેલાં ભાજપના નેતાઓનુ બ્લ્ડ પ્રેશર હાઈ થઈ જવા પામ્યું છે.
મામલો ગુજરાતની ભારે વરસાદના કારણે થયેલી દુર્દશાનો છે.
વહીવટી તંત્ર અને સરકાર સહિત સંગઠન પર લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વડોદરા હોય, બનાસકાંઠા કે કચ્છ હોય, ભાજપના નેતાઓ પર સામાન્ય લોકો પસ્તાળ પાડી રહ્યા છે. ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદો પાસે કોઈ જવાબ નથી. લોકોની હાડમારી સતતને સતત વધી રહી છે અને નેતાઓ કીટ વિતરણનો તાયફો કરવા નીકળતા જ લોકો રોષે ભરાયા છે. હવે વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે ગુજરાતને મેકઅપ કરવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. ભલે વરસાદ ચાલુ હોય તો પણ રસ્તાઓને મેટ ગ્રાઉટીંગ અને ડામરથી પેચવર્ક કરવાનું શરુ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન ગાંધીનગમાં વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટના સંદર્ભે આવી રહ્યા છે
અને રખેને કોઈ તમાશો થાય તે પહેલાં જ આખાય તંત્રને ઉપરતળે કરી દેવામાં આવ્યું છે. દરેક વસ્તુ પર બારીક નજર રાખવામાં આવી રહી છે. વડાપ્રધાનની મુલાકાત ટાણે બધું સમું-સુતરું પાર પડે તેના માટે ગોઠવણ કરવામાં આવી રહી છે.
ખાસ કરીને લોકોની હાડમારી વડાપ્રધાન સુધી ન પહોંચે તેના માટે નેતાઓના બ્લ્ડ પ્રેશર તે સ્વભાવિક છે. બ્લડપ્રેશરને અંકૂશમાં લેવાની કવાયત છેક ઉચ્ચ સ્તરેથી કરવામાં આવી રહી છે.
પુરના કારણે વિપરીત બનેલી કેટલાક શહેરોની સ્થિતિ સામે
ખુદ ભાજપના નેતાઓએ બળાપો કાઢ્યો છે અને મીડિયામાં એ અંગેના અહેવાલો પણ પ્રકાશિત થયા કરે છે. આના પરથી એવું લાગ્યા કરે છે કે ભાજપમાં જૂથબંધી પણ અંદરખાને ભભૂકી રહી છે અને આ જૂથબંધીના વરવા દ્રશ્યો વડાપ્રધાન સુધી ન પહોંચે તેના માટે ભરચક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ મોદી યુગમાં ભાજપની ભીતરમાં હાલ તો કોઈની તાકાત નથી કે જાહેરમાં આવીને કોઈ ઉચ્ચ નેતાઓ કે સરકાર અથવા સંગઠનની વિરુદ્વ અવાજ ઉઠાવે કે બોલી શકે. જે હોય તે પણ ભાજપના નેતાઓનું બ્લડ પ્રેશર વધી ગયું છે તે વાત પાક્કી છે.