Bhupendrasinh Jhala: ચૂંટણીમાં ખોટુ સોંગદનામું રજુ કર્યુ હતુ
- ઉમેદવારીપત્રમાં ફોજદારી કેસોની વિગતો જણાવી ન હતી
Bhupendrasinh Jhala એ ગત લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે તેમણે ઉમેદવારીપત્રમાં ખોટુ સોંગદનામું રજુ કરીને ફોજદારી કેસોની વિગતો જણાવી ન હતી. જોકે તેમણે રાજકીય દબાણને વશ થઇને પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. પરંતુ તત્કાલિન સમયે તેમણે ભપકા સાથે રેલી યોજીને ફુલોની વર્ષા કરાવી લોકોનું ધ્યાન કેન્દ્રીત કરી લીધુ હતુ. જે સંદર્ભે બુધવારે હિંમતનગરના એક મતદારે જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ અંગે હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં રહેતા મતદાર
કુમારજી ભાટએ બુધવારે ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે ગત લોકસભાની ચૂંટણીમાં બી ઝેડના ભુપેન્દ્રસિંહ ઝાલાએ કોઇક રાજકીય અગ્રણીના ઇશારે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ તેમણે અનેક ટેકેદારોને સાથે રાખી રેલી કાઢી હતી. એટલુ જ નહી પણ ખેડ તસીયા રોડ પર રેલી સાથે ભુપેન્દ્રસિંહ ઝાલા આવ્યા ત્યારે જેસીબીની મદદથી ફુલોની વર્ષા કરાવીને લોકોને મોહિત કરી દીધા હતા.
તો બીજી તરફ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારીપત્રના ફોર્મમાં અનુક્રમ નં.૫માં ફોજદારી કેસોની વિગતો રજૂ કરવાની હતી. પરંતુ તેમણે લાગુ પડતુ નથી તેવું દર્શાવ્યુ હતુ. તો બીજી તરફ વર્ષ ૨૦૧૮ની તારીખ ૧૭ નવેમ્બરના રોજ ભુપેન્દ્રસિંહ ઝાલા વિરૂધ્ધ અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં હથિયારધારાની કલમ ૨૫ (૧), બી (એ) મુજબ ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ તત્કાલિન સમયે ગમે તે કારણસર અધિકારીઓએ ધ્યાન આપ્યું ન હતુ તેવી છાપ ઉપસી હતી.