Bhuj: ભુજમાં 23.70 MLD ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના (CTE) અને સંકલિત સંમતિ અને અધિકૃતતા (CCA) માટે પૂર્વ સંમતિ મેળવ્યા વિના કાર્યરત છે. 3139.48 લાખના ખર્ચે તૈયાર થયેલો ભુજનો આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 2019-2020માં તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેની કાર્યક્ષમતા અને ગુણવત્તા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. એક રીતે જોવા જઈએ તો ભૂજના લોકોના આરોગ્ય સાથે આ ગંભીર પ્રકારના ચેડાં કરવામાં આવી રહ્યા હોવા અંગેની રજૂઆતો પણ કરવામાં આવી રહી છે.
આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સંચાલન હાલમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) પાસે રહ્યું છે.
ગટરીયું પાણી અલગ અલગ સ્વરુપે જોવા મળે છે અને તેમાં ગટરીયા પ્રદુષણની માત્રા વધારે હોવાથી ટ્રીટ કરવા માટે પણ યોગ્ય હોય છે કે કેમ તે અંગે પણ સવાલો ઉભા કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં સુએઝ વોટર પ્લાન્ટના નિર્માણમાં તકલાદી મટીયરીયલની ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ મોટા માથાઓએ આખીય વાતને દબાવી દીધી હોવાનાં આક્ષેપો અગાઉ કરવામાં આવ્યા હતા. મામલો છેક રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો.
વિગતો મુજબ સુએજ પ્લાન્ટમાં માત્ર 0.5 એમએલડી કરતાં પણ ઓછું ગટરીયું પાણી પહોંચે છે. એટલે બાકીનું મોટા ભાગનું ભૂજનું ગટરીયું પાણી ખુલ્લામાં અથવા અન્ય રીતે જાહેરમાં છોડી દેવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે RAS અને SAS ખાતે SBR માં ફ્લો મીટર કાર્યરત પણ કરવામાં આવ્યા નથી.
નોંધનીય રીતે જોઈએ તો સુએજ ટ્રીટમેન્ટમાં ઓનલાઈન એનાલાઈઝર પણ કાર્યરત જોવા મળી રહ્યું નથી.
આઉટલેટ અને ઈનલેટ ફ્લો વિશેની અપડેટ માહિતી માટેની સુવિધા પણ ચાલી રહી ન હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત પાણીને શુદ્વ કરવા માટે કરાતા ક્લોરિનેશનનું લેવલ પણ જણાવવામાં આવતું નથી. સાઈટ પર નિરીક્ષણ કરતાં માત્ર એક જ ઓપરેટર જોવા મળ્યો હતો.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ભુજ નગરપાલિકા અને GWSSBને વારંવાર કાનૂની નોટિસ પાઠવવામાં આવી છે, પરંતુ સમગ્ર બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
ભૂજના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને લઈ ચાલી રહેલા વિવાદમાં ભૂજવાસીઓ માટે મોટી ચિંતા ઉભી થઈ છે. ટ્રીટમેન્ટ કરાયેલા ગટરીયા પાણીમાં ક્વોરિનેશનનું લેવલ અને અન્ય બાબતોની સરખી અને યોગ્ય રીતે જાળવણી કરવામાં આવતી ન હોય તો લોકોના આરોગ્ય માટે મોટો ખતરો ઉભો થઈ શકે છે. રાજ્ય સરકારે આ અંગે સત્વરે સંજ્ઞાન લઈને કાર્યવાહી કરવાની જરુરિયાત રહેલી છે.