Bharuch rape case victim : ભરૂચ રેપ પીડિત બાળકીની લડત: ઝારખંડ સરકાર એરલિફ્ટ માટે તૈયાર, તબીબો દ્વારા સારવારમાં નવી આશા
મંત્રીએ જણાવ્યું હતું કે પીડિતની હાલત ગંભીર છે, અને જો જરૂર પડે તો ઝારખંડ સરકાર તેને હાયર સેન્ટરમાં એરલિફ્ટ કરીને વધુ સારવાર માટે તૈયાર
ઝઘડિયામાં પીડિત બાળકી પર આચરવામાં આવેલી ક્રૂરતા માત્ર અપરાધ નથી, પરંતુ માનવતાને લજવતી ઘટના છે
ભરૂચ, બુધવાર
Bharuch rape case victim : ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટના ગુજરાત સહિત દેશભરમાં આક્રોશ ફેલાવી રહી છે. આ બાળકીએ સહન કરેલી ક્રૂરતા અને તેના કારણે થયેલી ગંભીર ઈજાઓને લઈને સમગ્ર દેશ ચિંતિત છે. હાલ વડોદરાની SSG હોસ્પિટલમાં પીડિત બાળકીની સારવાર ચાલી રહી છે. ઝારખંડ સરકારના ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે સિંહે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી અને આ ઘટના પર નિંદા વ્યક્ત કરી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે પીડિતની હાલત ગંભીર છે, અને જો જરૂર પડે તો ઝારખંડ સરકાર તેને હાયર સેન્ટરમાં એરલિફ્ટ કરીને વધુ સારવાર માટે તૈયાર છે. સાથે, ઝારખંડ સરકાર તરફથી પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. મંત્રીએ વધુમાં કહ્યું કે આ પ્રકારની ઘટનામાં રાજકારણથી દૂર રહી બાળકોની સારી સારવાર પર ધ્યાન આપવું જોઈએ.
SSG હોસ્પિટલના આરએમઓ ડો. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે પીડિતાની હાલત ગંભીર છે, પરંતુ તબીબોની ટીમ દ્વારા તેની શ્રેષ્ઠ સંભાળ રાખવામાં આવી રહી છે. ઈજાઓના પગલે સર્જરી કરવાની જરૂર પડે તેવી શક્યતા છે, અને આ અંગે નિષ્ણાતોની ટીમ દ્વારા નિર્ણય લેવામાં આવશે.
આ ઘટનાએ દેશમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલ ઊભા કર્યા છે. ઝઘડિયામાં પીડિત બાળકી પર આચરવામાં આવેલી ક્રૂરતા માત્ર અપરાધ નથી, પરંતુ માનવતાને લજવતી ઘટના છે. આ મામલામાં આરોપીને સખત સજા થાય અને ભવિષ્યમાં આવા બનાવોને અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવે તે આવશ્યક છે.