Gujarat: ગુજરાત સહિત દેશના ખેડુતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાનો છે. અનેક રાજયો દ્વારા ખેડુતોના દેવા માફી રાજય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી રહી છે. આ માટે આંદોલનો પણ થતા રહ્યા છે.
સામાન્ય રીતે, ખેડુતો બિયારણ-રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો-કરોડો રૂપિયાની લોન લેતા હોય છે. પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો, બેંકોમાંથી લીધેલી લોન ભરપાઇ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે. એટલે દર વર્ષે ખેડુતોના દેવા માફીની માંગણી ઉઠવા પામે છે.
ભારત સરકારની માહિતી દેશના તમામ રાજયોના ખેડુતોે શિડયુલ કોમર્શિયલ બેંકોમાંથી કુલ 19,07,444 કરોડની લોન લીધી છે
અર્થાત દેશના ખેડુતોને માથે રૂા. 19.07 લાખ કરોડનું બેંક દેેવું છે. જેમાંથી ગુજરાતના લાખો ખેડૂતોએ પણ કુલ 82,753 કરોડની લોન લીધી છે. એનો અર્થ પણ એ થાય કે, ગુજરાતના ખેડુતોને માથે પણ રૂા.82,753 કરોડનું દેવું છે.
દેશમાં સૌથી વધુ રૂા.2,88,900 કરોડની બેંક લોન તામિલનાડુના ખેડુતોએ લીધી છે. જયારે દેશમાં બીજા ક્રમે રૂા. 2,08,418 કરોડની લોન આંધ્રપ્રદેશના ખેડૂતોએ, ત્રીજા નંબરે રૂા. 1,91,365 કરોડની લોન ઉતરપ્રદેશના ખેડુતોએ મેળવી છે.
ગુજરાતના સંદર્ભમાં છેલ્લા એક દસકાની વાત કરીએ તો ગત 2015ના વર્ષમાં ગુજરાતના ખેડુતોને માથે કુલ 34,100 કરોડની બેંક લોન કે દેવું હતું જે 10 વર્ષ બાદ 2023ના વર્ષમાં વધીને 82,753 કરોડ જેટલું થઇ ગયું છે.
આ એક દાયકામાં 48,653 કરોડનો વધારો થયો છે. એવી જ રીતે દેશના તમામ ખેડુતોને માથે એક દાયકા અગાઉ વર્ષ 2014માં 8,41,800 કરોડની લોન હતી. જે 10 વર્ષ એટલે કે 2023 સુધીમાં 19,07,444 કરોડની થઇ ગઇ છે. જે આ છેલ્લા એક દસકા દરમિયાન ખેડૂતોની બેંક લોન દેવામાં 10,6પ,644 કરોડની થઇ ગઇ છે.