Banaskantha: બજારમાંથી ઘી ખરીદતા પહેલા સાવધાન! ગુજરાતમાં 17.50 લાખનું 4037 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
લાઇસન્સ રદ્દ થયાં છતાં પેઢી ગેરકાયદે ઘીનું ઉત્પાદન કરતી પકડાઈ, 4037 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વોમાં તંત્રના દરોડા બાદ ફફડાટ
બનાસકાંઠા, બુધવાર
Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 8 મે 2024ના રોજ નવકાર ડેરી પ્રોડક્ટ્સ, પ્લોટ નંબર-51, જી.આઈ.ડી.સી., ડીસા ખાતે અચાનક તપાસ કરવામાં આવી. તપાસ દરમ્યાન ફુડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડસ (લાયસન્સ અને રજિસ્ટ્રેશન ઓફ ફૂડ બિઝનેસ) રેગ્યુલેશન, 2011ની વિવિધ જોગવાઈઓના ઉલ્લંઘનના પુરાવા મળી આવતા પેઢીને કલમ-32 હેઠળ સુધારણા નોટિસ આપવામાં આવી. છતાં, પેઢીએ નિયમોનુસાર સુધારણા કરી નહોતી, જેના કારણે 4 ઓક્ટોબર 2024ના રોજ પેઢીનું લાઇસન્સ (નંબર-10718005000866) રદ્દ કરવામાં આવ્યું હતું.
લાઇસન્સ રદ્દ છતાં ઘીનું ગેરકાયદે ઉત્પાદન ચાલુ
25 ફેબ્રુઆરી 2025ના રોજ તંત્ર દ્વારા પેઢીની ફરી અચાનક તપાસ કરવામાં આવી, જેમાં લાઇસન્સ રદ્દ થયા પછી પણ ઘીનું ઉત્પાદન ચાલુ હોવાનું બહાર આવ્યું. પુછપરછ દરમ્યાન પેઢીના જવાબદાર સંજયકુમાર બાબુલાલ મહેસૂરીયા દ્વારા બનાવેલા ઘીમાં સોયાબીન અને ઈન્ટરએસ્ટરીફાઇડ વેજીટેબલ ફેટની ભેળસેળની શંકા ઉભી થતા તંત્રે કાયદેસર કાર્યવાહી હાથ ધરી. ઘીના અલગ-અલગ 11 નમૂનાઓ લેવામાં આવ્યા અને તપાસ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યા.
4037 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
આ ખોટું ઘી તહેવારો દરમિયાન રાજસ્થાનમાં વેચવા માટે રાત્રે તૈયાર કરવામાં આવતું હતું, પરંતુ તંત્રની ટીમે જાહેર આરોગ્ય હિતમાં 4037 કિલો ઘી જપ્ત કરી લીધું, જેની અંદાજીત કિંમત 17.50 લાખ રૂપિયા છે. ઘીના નમૂનાઓના લેબોરેટરી અહેવાલ આવ્યા બાદ વધુ કાયદેસર પગલાં ભરાશે.
આ પહેલાં પણ દંડ અને સજા થઈ ચુકી
પેઢીના માલિક સામે અગાઉ પણ ભેળસેળના કેસ નોંધાઈ ચૂક્યા છે:
ખાદ્યતેલમાં ભેળસેળ માટે ₹1.25 લાખનો દંડ
મરચાંમાં કલરના ભેળસેળના કેસમાં ₹25,000 નો દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા
આ દરોડા બાદ માણસોના આરોગ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ આવા અપરાધોને નિયંત્રિત કરવા સઘન ચકાસણી ચાલુ રાખવા પર ભાર મુકવામાં આવ્યો છે.