જસદણ પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપના કુંવરજી બાવળિયા સામે અવચર નાકીયાને ટિકિટ આપી છે. જસદણ સીટ માટે કોંગ્રેસ તરફથી ભોળાભાઈ ગોહિલનું નામ સૌથી અગ્રેસર હતું પરંતુ આખરે કોળી સમાજના જ આગેવાન અવચર નાકીયાના નામ પર મહોર મારવામાં આવી છે. નાકીયાએ તેમના નામની જાહેરાત થયા બાદ તમામ સંભવિત ઉમેદવારોનો આભાર માન્યો હતો.
અવચર નાકીયા રાજકોટ જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ અને બે ટર્મથી પીપરડી જિલ્લા પંચાયતનાં સભ્ય તરીકે ચૂંટાયા છે. વર્તમાન જિલ્લા પંચાયતનાં સભ્ય છે. અવચર નાકીયા કુંવરજી બાવળીયાના ખૂબ જ નજીકનાં મનાય છે અને રાજકારણમાં તેમને કુંવરજી બાવળીયા લાવ્યા હતા. વિંછીયા અને જસદણ પંથકનાં કોળી સમાજમાં અવચર નાકીયા સારી પકડ ધરાવે છે. તેમજ કોળી સમાજનાં મન દુ:ખનાં તમામ પ્રસંગે હાજરી આપે છે.
કુંવરજી બાવળીયા સાથે રહીને કોળી સમાજ સહિત અન્ય સમાજમાં પણ અવચર નાકીયાની પકડ છે. જે વાતને ધ્યાને લઇને કોંગ્રેસે અવચર નાકીયાની પસંદગી કરી છે. ત્યારે જસદણ વિધાનસભાની પેટા ચુંટણીનો રંગ જામશે અને ગુરૂ ચેલા સામ સામે ચૂંટણી લડશે.