કોંગ્રેસના નેતૃત્વથી નારાજ હાર્દિક પટેલ કઈક નવા જૂની કરે તો નવાઈ નહી હોય.
આજકાલમાં જ હાર્દિક પટેલ તેના જૂના સાથીદારો સાથે બેઠક કરશે.
કોંગ્રેસથી નારાજ હોવાના અનેક સંકેતો વચ્ચે હાર્દિક પટેલનું સસ્પેન્સ હજી યથાવત્.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીની તૈયારીમાં દરેક પાર્ટીઓ જોરશોરથી મેદાને નીકળી પડી છે, ત્યારે અમુક નેતાઓ પોતાની રાજકીય કારકિર્દીનો લઈને હજી પણ અવઢવમાં હોય તેવું દેખાઈ રહ્યું છે.
ખાસ કરીને છેલ્લા કેટલાંય દિવસોથી હાર્દિક પટેલ અને નરેશ પટેલને લઇને કોઇ પક્ષમાં જોડાવવા મામલે ગુજરાતનું રાજકારણ ગરમાઇ રહ્યું છે, તેવામાં ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, પાટીદાર અગ્રણી નરેશ પટેલ અને PAAS નેતા અલ્પેશ કથીરીયા વચ્ચે આજકાલમાં જ એક બેઠક યોજાવાની છે, આ ઉપરાંત બેઠકમાં પાટીદાર આંદોલન સાથે જોડાયેલા તેમના સાથીઓ પણ ભેગા મળશે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ કોંગ્રેસથી અનેકવાર કોઈને કોઈ રીતે નારાજગી દર્શાવી ચૂક્યા છે, જેમાં તેણે ગુજરાત કોંગ્રેસના નેતાઓથી લઈને દિલ્હીના મોટા નેતાઓને પણ છોડ્યા નથી, થોડા દિવસ પહેલા દાહોદ ખાતેના આદિવાસી સંમેલનમાં કથિત રીતે રાહુલ ગાંધી દ્વારા હાર્દિક પટેલનું અપમાન કર્યું હોવાનું કહેવામાં આવે છે, એક તો હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ અને ઉપરથી રાહુલ ગાંધી તેનું અપમાન કરે… આ પરિસ્થિતિમાં હાર્દિક પટેલને સળગ્યા ઉપર ઘી જેવું સ્થિતિમાં મૂકી દીધી હોય તેવું લાગી રહ્યું છે.
વર્ષ 2015 માં થયેલ પાટીદાર અનામત આંદોલન દરમિયાન પટેલ સમાજના અનેક યુવા નેતાઓએ ગુજરાતના રાજકારણને ઘમરોળી નાખેલું, જેની અસર ગત 2017ની વિધાનસભાની ચુંટણીઓ ઉપર પડેલી, જેમાં આ દરેક પટેલ નેતાઓએ ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરીને મેદાન મારેલું.
ત્યારે હવે સંજોગો કઈક અલગ છે, આંદોલન તો પત્યું હવે વારો આવ્યો પોતાની મહત્વાકાંક્ષાઓનો… નેતા બન્યા પછી સ્વાર્થ જાગે તે સ્વાભાવિક છે… પછી શું કોંગ્રેસ કે ભાજપ…
ગુજરાતમાં કોંગ્રેસ પોતાના જ નેતાઓના વાડાઓમાં બંધાઈને બાખડી રહી છે, ત્યારે પાટીદાર સમાજના આ નેતાઓને કોંગ્રેસમાં પોતાનું ભવિષ્ય ન દેખાય… પરિણામે એક ચુંટણીમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરી ચૂકેલા આ તમામ લોકો હવે ભાજપમાં જ ભળે તો નવાઈ નહી.