જૂનાગઢઃ લગ્નવાંચ્છુક યુવકો પૌસા આપીને યુવતીઓ સાથે લગ્ન કરતા હોય છે. પરંતુ આવા યુવકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને લૂંટેરી દુલ્હનો લગ્નનું નાટક રચીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડીને લગ્ન બાદ ફરાર થઈ જતી હોય છે. તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં અનેક યુવકો આવી લૂંટેરી દુલ્હનોનો ભોગ બની ચૂક્યા છે ત્યારે વધુ એક યુવક લૂંટેરી દુલ્હન દ્વારા લૂંટાયો હતો.
મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના વેકરીયા ગામે રહેતા અશોકભાઈ તેરૈયા નામના યુવાન સાથે છ મહિના અગાઉ ભાવનગરની વૈશાલી નામની યુવતીના લગ્ન થયા, અશોક તેરૈયા લગ્ન ઈચ્છુક હોય, આ લગ્ન માટે ભરત મહેતા અને ગુણવંતભાઈ જોષી નામના બે વ્યક્તિઓએ અશોક તેરૈયાનો સંપર્ક કરીને યુવતી વિધવા હોય તેમ કહીને વિશ્વાસમાં લઈને અશોક તેરૈયાના લગ્ન વૈશાલી સાથે કરાવી આપ્યા તે સમયે અશોક પાસેથી 30 હજાર રૂપીયા લેવામાં આવ્યા હતા.
લગ્નના એક અઠવાડીયા બાદ પિયરમાં યુવતીના પરિવારજનની તબિયત સારી ન હોય તેવું ખોટું બહાનું બતાવી યુવતીને પિયર જવું છે તો રૂપીયાની જરૂર હોય તે સમયે 45 હજાર રૂપિયા અશોક પાસેથી લીધા હતા આમ અગાઉ 30 હજાર અને બાદમાં 45 હજાર મળીને કુલ 75 હજાર રૂપિયા અશોક તેરૈયા પાસેથી છેતરપીંડી કરીને પડાવી લેવાયા હતા. અશોક યુવતીને તેના પિયર મુકવા પણ ગયો હતો અને યુવતીના પરિવારજનોએ એવુ કહ્યુ હતું કે થોડા દિવસો રોકાઈને વૈશાલી તમારે ત્યાં આવી જશે પરંતુ એ વાતને લાંબો સમય વીતી જતાં ભોગ બનનાર અશોકને ખ્યાલ આવ્યો કે તેની સાથે લગ્નનું નાટક કરીને છેતરપીંડી થઈ છે. (ભરત મહેતા)
પોતાની સાથે લગ્નના બહાને થયેલી છેતરપીંડીને લઈને અશોક તેરૈયાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભરત મહેતા, ગુણવંત જોશી અને લગ્નનું નાટક કરનાર વૈશાલી નામની યુવતી વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે. આરોપી ભરત મહેતા તાજેતરમાં જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામે યુવાન સાથે આ જ પ્રકારની લગ્નના બહાને થયેલી છેતરપીડીંના કેસમાં પણ આરોપી છે. (યુવતીનો પિતા બનનાર ગુણવંત)
ભરત મહેતા આવી રીતે ખોટા લગ્ન કરાવી આપવાનો એજન્ટ છે અને વચેટીયા તરીકે કામ કરે છે. જે આરોપી ભરત મહેતા હાલ આંબલીયા ગામના યુવાન સાથેની છેતરપીંડીના કેસમાં કસ્ટડીમાં છે. જૂનાગઢ જીલ્લામાં છેલ્લા પંદર દિવસમાં લગ્નના બહાને છેતરપીંડી થયાનો આ બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
લગ્ન જેવી પવિત્ર પરંપરાને રૂપીયાના લાલચુએ જાણે એક મજાક બનાવીને રૂપીયા કમાવાનું સાધન બનાવી લીધું હોય તેવી ઘટનાઓ બની રહી છે જે સમાજ માટે લાલબત્તી સમાન છે. પોલીસે અશોક તેરૈયાની ફરીયાદ લઈને છેતરપીંડી કરનાર ત્રણેય આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.