Amit Shah: અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની રથ યાત્રાનાં પાવન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસ્થા અને ભક્તિના અલૌકિક સમન્વયની ભક્તિભાવપૂર્વક ઉજવણી માટે દેશવાસીઓને શૂભકામના આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતીમાં સમગ્ર પરિવાર સાથે સહભાગી થઈ દેશની ઉન્નતિ અન ઉત્કર્ષ માટે પ્રાર્થના કરી હતી.
આ અંગે ગાંધીનગર લોકસભા ભાજપ મીડિયા વિભાગ જણાવે છે કે,
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આસ્થા અને ભક્તિના અલૌકિક સમાગમ રથયાત્રાના પાવન પર્વની ગુજરાત તેમજ સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી ગૃહમંત્રીએ અષાઢી બીજનાં પાવન દિવસે કચ્છી માડુઓને પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ગૃહમંત્રીએ અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં પરિવાર સાથે સહભાગી થઈ ભગવાન જગન્નાથ, વીર બલભદ્ર અને માતા સુભદ્રા પાસે સર્વે નાગરિકોના કલ્યાણ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. બાદમાં ગૃહમંત્રી અમિત શાહે નારણપુરા અમદાવાદ ખાતે સ્લીમસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ મીડિયા સેલનાં ડો.બિમલ જોષી અને કલ્પ પટેલે જણાવ્યું કે
દર વર્ષની જેમ આજે પણ ભગવાન જગન્નાથની રથયાત્રાના શુભ અવસર પર અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવા પર આનંદની લાગણી વ્યક્ત કરતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મંગળા આરતીમાં હંમેશા અપાર શાંતિ અને નવી ઉર્જાની અનુભૂતિ થાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ભારતના સાંસ્કૃતિક વારસા અને સમૃદ્ધિનું સંરક્ષણ તેમજ નવીન ઉત્કર્ષ પ્રદાન કરવાનો પવિત્ર અવસર છે, જે દેશના કરોડો શ્રદ્ધાળુઓ દ્વારા અત્યંત ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આધ્યાત્મિકતા અને ઉત્સવ ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ છે.