Ambalal Patel Prediction : આવી રહ્યું છે ધૂળભર્યું તોફાન! જાણો ક્યાં પડશે અસર અને કેવી રહેશે સ્થિતિ
Ambalal Patel Prediction : ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં ભારે બદલાવ જોવાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે પવન, તોફાન અને ધૂળના સાથે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી થયેલા વરસાદથી લોકો ને ગરમીથી રાહત મળી હતી, પરંતુ હવે ફરીથી હવામાન ખતરનાક દિશામાં આગળ વધી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખાસ આગાહી કરી છે કે આગામી દિવસોમાં પવનની ઝડપ અને તોફાની પ્રવૃત્તિઓ વધી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ પલટાઈ રહ્યું છે હવામાન
ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગર, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં આજે સાંજ સુધીમાં હવામાનમાં મોટો પલટો થવાની શક્યતા છે. અમુક વિસ્તારોમાં ધૂળભર્યા પવન સાથે વીજળી ચમકતી છાંટાઓ પડવાની પણ શક્યતા છે. કચ્છ, બનાસકાંઠા અને રાજસ્થાનના થોડા ભાગોમાં પણ તીવ્ર પવન સાથે તોફાની સ્થિતિ સર્જાઈ શકે છે.
દેશવ્યાપી પૅટર્નમાં પલટો
દેશભરના હવામાનમાં પૅટર્ન બદલાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ થયો છે. બિહારમાં તોફાન અને વીજળી પડવાથી 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ, હરિયાણા અને ઉત્તરાખંડમાં પણ તોફાની અસરના કારણે મોતની ઘટનાઓ નોંધાઈ છે. ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન પહોંચી રહ્યું છે.
એપ્રિલ-મે મહિના દરમિયાન વધશે તોફાની પ્રવૃત્તિ
અંબાલાલ પટેલના કહેવા મુજબ, એપ્રિલ અને મે મહિના દરમિયાન ધૂળભર્યા તોફાનો, જોરદાર પવન અને વાવાઝોડાની પ્રવૃત્તિ વધુ જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે કાચા મકાનોના છાપરા ઉડાડી શકે છે.
મુંબઇ અને દિલ્હી માટે આગાહી
મુંબઈમાં 10 અને 11 એપ્રિલે કમોસમી વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે આગામી દિવસોમાં તાપમાન વધવાની અને ભેજ વધવાને કારણે અસહ્ય ઉકળાટ થવાની શક્યતા છે. બીજી તરફ દિલ્હી-એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પણ પડી શકે છે, પણ તાપમાન ધીમે ધીમે ફરીથી વધવાની દિશામાં છે.
કયા કયા વિસ્તારોમાં પડશે વરસાદ?
હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વી ભારતમાં 16 એપ્રિલ સુધી વાવાઝોડા, વીજળી અને પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ધૂળભર્યા પવન અને છાંટા જોવા મળી શકે છે.
કયા વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે?
ગુજરાત, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળું અને ગરમ હવામાન રહેશે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને મધ્યપ્રદેશમાં પણ ગરમ પવન ફૂંકાવાની શકયતાઓ છે. ખાસ કરીને 14થી 16 એપ્રિલના સમયગાળામાં પશ્ચિમ ભારતે વધુ અસર અનુભવવાની શક્યતા છે.
ખેડૂતો માટે અગત્યની ચેતવણી
અંબાલાલ પટેલે ખેડૂતોને આગાહી આપતાં કહ્યું છે કે પવનની તીવ્રતાને કારણે કેરીના પાકને નુકસાન થઈ શકે છે. ધાન્ય પાક ધરાવતી જમીન પોચી હોય તો પવનના કારણે પાક પડી પણ શકે છે. તેઓએ ખાસ કરીને મે મહિનામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતા પણ વ્યકત કરી છે.
હવામાનના પલટાને ધ્યાનમાં રાખીને લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઘરના અંદર રહે, કાચા મકાનોમાં રહેનારોએ ખાસ તકેદારી રાખે, ખેડૂતો પાકની સંભાળ રાખે અને તોફાની પવનથી બચવા માટે યોગ્ય વ્યવસ્થા રાખે.