ગુજરાતમાં પરપ્રાંતયો પરના હુમલા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના ચીફ અલ્પેશ ઠાકોરને ટારગેટ કરવામાં આવ્યા બાદ અલ્પેશ ઠાકોરે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. ડીસા ખાતે દશેરા નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમમાં હાજર રહેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સિંહગર્જના કરી વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે.
અલ્પેશ ઠાકોરે જનમેદનીને સંબોધતા જણાવ્યું કે રાત્રે બાર વાગ્યે પણ એકલો ફરું છું, જેનામાં તાકાત હોય તે આવી જાય. મને મારવો હયો તો મારી નાંખે. હું કોઈનાથી ડરતો નથી.
તેમણે કહ્યું કે મારા નામે ગુજરાતને તોડવાનું ષડયંત્ર કરી રહેલા લોકો રાજકારણ રમી રહ્યા છે. પણ તેઓ ફાવવાના નથી. લોકોને ખબર છે કોણ આ નિર્દોષ પરપ્રાંતીયો પર હુમલા કરાવે છે. અલ્પેશ ઠાકોરના માથા માટે કિંમત મૂકવામાં આવી છે. પણ તેમને ખબર નથી કે આજે એક નહી લાખો અલ્પેશ ઠાકોર પૈદા થઈ ગયા છે. મને જેલમાં નાંખો કોઈ ફરક પડવાનો નથી. સમાજનું કામ થતું રહેશે અને કોઈ અટકાવી શકે એમ નથી.
અલ્પેશ ઠાકોરને લઈ આખાય દેશમાં કેટલાક રાજકીય પક્ષોના ઈશારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. બિહારમાં કોંગ્રેસે અલ્પેશ ઠાકોરના તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે અને અલ્પેશને બિહારથી દુર રાખવાનું વલણ કોંગ્રેસે અપનાવ્યું છે. તેવામાં ડીસા ખાતે અલ્પેશ ઠાકોરે અસ્સલ ક્ષત્રિય સ્ટાઈલનો પરિચય આપ્યો હતો અને વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.