ગાંધીનગર- રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ કહ્યું હતું કે ગુજરાતમાં લોકો કાયદો હાથમાં લેશે તો પોલીસ બળપ્રયોગ કરતાં પણ ખચકાશે નહીં. એવું ધ્યાને આવ્યું છે કે બેન્કો તેમજ ગ્રોસરી સંસ્થાઓમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી. હવે જો એવું જણાશે તો વ્યવસ્થાપકોની જવાબદારી ગણાશે અને તેમની સામે પગલાં લેવાશે. વ્યવસ્થાપકને કોઇ તકલીફ હોય તો તેમણે પોલીસને જાણ કરવાની રહેશે.
તેમણે કહ્યું કે નિઝામુદ્દીન મરકજમાં હવે વધુ લોકો બાકી રહ્યાં નથી પરંતુ અમદાવાદમાં એક બીજું ગ્રુપ છે તેની તપાસ ચાલી રહી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ શહેરના અમુક વિસ્તારો બંધ કરવામાં આવ્યા છે અને લોકોનું થર્મલ સ્કેનિંગ પણ કરાઈ રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે હેતુથી શાકમાર્કેટ, જથ્થાબંધ માર્કેટના સ્થળો લોકોની સગવડ માટે બદલવામાં આવ્યા છે ત્યારે નાગરિકો પણ તેમાં સહયોગ આપે એ જરૂરી છે. શહેરના ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં લોકોના આરોગ્યની ચકાસણી વધુ સઘન બનાવાશે. પોલીસ બંદોબસ્ત અપાયો છે અને જરૂર પડશે તો વધારવામાં આવશે.
શિવાનંદ ઝા એ કહ્યું હતું કે શહેરો- નગરોમાં ડ્રોન સર્વેલન્સની કામગીરી સઘન બનાવવામાં આવી છે. જેમાં 205 ડ્રોનના ફૂટેજ દ્વારા ગઈકાલે 471 ગુનાઓ નોંધાયા છે. આજે 2,565 ગુના દાખલ કરીને 6,151 લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ગઈકાલે 92 ગુના નોંધીને 164 લોકોની અટકાયત કરતાં આજ સુધીમાં 399 ગુના નોંધી 792 લોકોની અટકાયત કરવામાં આવી છે. એ જ રીતે સોશ્યલ મિડીયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે અત્યાર સુધીમાં 142 ગુના દાખલ કરીને 258 આરોપીની અટકાયત કરવામાં આવી છે.
પોલીસ વડાએ કહ્યું હતું કે બેંક અને કરિયાણાની દુકાનના સ્થળે લોકો વધુ ભેગા થાય છે, તેથી સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી એવા કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. તેવા સંજોગોમાં વ્યવસ્થાપકો અને સંસ્થાઓ જવાબદાર ગણાશે. આવા સ્થળોએ યોગ્ય અંતર જળવાય રહે તે માટે માર્કિંગ, કતાર કે ટોકન પધ્ધતિ અમલમાં મૂકવી જોઈએ. જો આવા સ્થળોએ નાગરિકો તરફથી આ પ્રક્રિયાનું પાલન કરવામાં ન આવતું હોય ત્યારે પોલીસને જાણ કરાશે તો મદદ કરશે.
નિઝામુદ્દીનમાંથી આવેલા તબલિગી વિશે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ -127 લોકોની ઓળખ કરાઈ છે. આ તમામ લોકોના કોરાનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી કુલ-11 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ સિવાયના તમામને હાલ કવૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ વિસ્તારના અન્ય લોકોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે,
રાજ્યમાં લૉકડાઉન દરમિયાન જાહેરનામા ભંગના 2,788 ગુનાઓ, કવૉરન્ટાઈન ભંગના 872 તેમજ અન્ય ગુનાઓ 437 એમ મળી કુલ 4,097 ગુનાઓ નોંધાયા છે. જેમાં કુલ 6,169 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે 7,878 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.