અમદાવાદઃ એક તરફ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થતા સતત વધારાના કારણે સામાન્ય લોકો સહિત ટ્રાન્સ્પોટરો પણ ચિંતિત છે. ત્યારે હવે ગુજરાતમાં સીએનજીના ભાવમાં એક કિલોના ભાવમાં 95 પૈસાનો વધારો કરાયો છે. ત્યારે હવે સીએનજીના ભાવમાં વધારો થતાં રીક્ષા ચાલકો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. રીક્ષા ચાલકોના યુનિયન દ્વારા ભાવ પાછો ખેચવાની માંગણી કરી છે. જો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
CNGના ભાવ વધતા રિક્ષાચાલકોને મહિને રૂા.1 50ની અને વરસે રૂા. 1800નું નુકસાન જઈ રહ્યું હોવાનું ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ડ્રાઈવર્સ એક્શન કમિટીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
બીજીતરફ ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ડ્રાઈવર્સ એક્શન કમિટીના મહામંત્રી રાજવીર ઉપાધ્યાયનું કહેવું છે કે સીએનજીના ભાવ વધારા સામે મારો કોઈ જ વિરોધ નથી. સંસ્થા દ્વારા આપવામાં આવેલા લેટર પર મારી સહી મેં કરેલી નથી. આ લેટર હજી સુધી મને પણ મળ્યો નથી. પરંતુ એટલું જરૂર કહીશ કે સરકાર અમારા એકલાના ભાડાં કેમ નક્કી કરે છે. કોઈપણ કોમર્શિયલ વેહિકલના દર સરકાર નક્કી કરતી નથી. તેમને તેમની મરજી મુજબના ભાવ લેવા દેવામાં આવે છે.
આ સંજોગોમાં એકલા અમારા ભાડાંના દર નક્કી કરવાનું સરકારનું વલણ ગેરબંધારણીય છે. માત્ર સરકાર રિક્ષાચાલકો સાથે ભેદભાવ રાખી રહી છે. અમે સરકારના આ વલણને કોર્ટમાં પડકાર્યું પણ છે. 2016માં અમે પીટીશન કરી છે પરંતુ અમે અસંગઠિત હોવાથી અમને ન્યાય મળતો નથી.
રિક્ષાચાલકો મીટર પ્રમાણે રિક્ષાના ભાડાં ન વસૂલતા હોવાને મુદ્દે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રાજવીર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સરકાર ચાર વર્ષથી અમારા ભાવ વધારી રહી નથી. ચાર વર્ષમાં વધેલી મોંઘવારી અમને પણ નડે છે. તેથી અમે અમારી મરજી મુજબ ભાવ લઈશું. તેમાં અમે કશું જ ખોટું કરતાં નથી.