અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત. અખાત્રીજના દિવસે દેશભરમાં હજારોની સંખ્યામાં લગ્ન થાય નવી કામગીરી, દુકાન, પેઢી કે ઉદ્યોગ ધંધાની શરૂઆત થાય.અખાત્રીજના દિવસે સોનું કે ચાંદી ખરીદવાનું શુભ ગણાય એટલે માત્ર અમદાવાદ શહેરમાં જ લગભગ 400 કરોડનું સોનું ચાંદી વેચાઈ જાય. જો કે ચાર દિવસ પછી આવી રહેલી અખાત્રીજે અમદાવાદના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આ પૈકીનું કંઈ જ થશે નહીં. લોકડાઉનને લઈને અમદાવાદના સોની બજાર સહિત આખો દેશ બંધ છે. લોકડાઉન ૩જી મે સુધી યથાવત છે ત્યારે ૨૬મી એપ્રિલે અખાત્રીજ હોવાથી સોનીની કોઈ દુકાન ખોલશે નહીં અને એક રૂપિયાનો પણ ધંધો થશે નહીં. અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના જીગર સોનીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે આખા વર્ષમાં અમે જેટલો ધંધો કરતા હોઈએ છીએ તેના ૨૦ ટકાનો ધંધો તો માત્ર આખાત્રીજે જ થઈ જતો હોય છે. છેલ્લા ઘણા સમયથી સોની બજારમાં મંદીનું વાતાવરણ છે ત્યારે લગ્નસરામાં મંદીનું ગ્રહણ દૂર થાય માર્કેટમાં તેજી આવે તેવી જ્વેલર્સને આશા હતી.
હવે લોકડાઉનને લઈને અખાત્રીજનો ધંધ બંધ રહ્યો છે તથા મોટા ભાગનાં લગ્નો પણ રદ્દ થયા છે. એક મહિનાથી બજાર બંધ છે માટે સોની બજારના વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. હવે જ્યારે લોકડાઉન પૂરું થાય ત્યાર પછી પણ ઘણા દિવસો બાદ સોની બજારમાં ગ્રાહકોને ચહલપહલ શરૂ થાય તેવી સંભાવના છે.