રાજ્યમાં એક તરફ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, જેની વચ્ચે કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયામાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા અને ઉશ્કેરાટ થાય તેવી પોસ્ટ મૂકી વાઇરલ કરી રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના ધ્યાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર હિન્દુ દેવી-દેવતાઓ વિશે ગંદુ અને બિભત્સ લખાણ લખી હિન્દુઓની લાગણી દુભાય તેવા 10 જેટલા એકાઉન્ટ મળી આવ્યા છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ ફેસબુક એકાઉન્ટધારકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
એકાઉન્ટધારકો સામે પગલાં લેવાશે
લોકડાઉનના પગલે સોશિયલ મીડિયામાં કેટલાક તત્વો ફેક પોસ્ટ, બે કોમ વચ્ચે ઉશ્કેરાટ અને કાયદો વ્યવસ્થા બગડે તેવી પોસ્ટ મૂકતા હોય તેના પર સાયબર ક્રાઈમ બ્રાન્ચ વોચ રાખે છે. આ દરમિયાન સાયબર ક્રાઈમ બ્રાન્ચને અલગ અલગ 10 ફેસબુક એકાઉન્ટમાં હિન્દુ દેવી-દેવતાઓ વિશે ખરાબ લખાણ અને બિભત્સ લખાણ લખેલા જણાયા હતા. આવા લખાણથી બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને લાગણી દુભાય જેને લઇ સાયબર ક્રાઈમે આ એકાઉન્ટધારકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.