અમદાવાદઃ કોરોના સામે લડવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ મહત્વનો બની રહ્યો છે. ત્યારે લોકો સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ અમદાવાદમાં એક મહિલાને રસોડામાં સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ભારે પડ્યો હતો. સેનિટાઈઝરની બોટલ સળગતા ગેસ ઉપર પડતા ભડકો થયો હતો. જેથી મહિલા આગની લપટોમાં આવી ગઈ હતી. અને દાઝી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, 25 વર્ષનાં જયશ્રીબહેન દેવીલાલ લુહાર શહેરનાં નવા નરોડા વિસ્તારમાં મનોહરવિલા ચાર રસ્તા પાસે શ્યામલપાર્ક સોસાયટીમાં રહેતા હતા. તેઓ તારીખ 29મીનાં રોજ રાતના 11 વાગે પોતાના ઘરમાં દૂધ ગરમ કરતા હતા. આ સમયે રસોડોમાં ગેસની ઉપરની બાજુમાં મુકેલી ખાંડની બરણી લેવા જતાં ત્યાં બાજુમાં સેનેટાઇઝરની બોટલ હતી જે ગેસ ઉપર પડી હતી. જે બાદ અચાનક મોટો ભડકો થયો હતો.
આ ભડકાને કારણે મહિલા ગંભીર રીતે દાઝ્યા હતા. તેમને તરત જ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
થોડા સમય પહેલા મધ્ય પ્રદેશના ભીંડમાં હોળીના દિવસે ડ્રાય ડે હોવાથી શહેરમાં દારૂ મળ્યો ન હતો. જેથી 3 મિત્રોએ દારૂ ન મળતા નશો કરવા માટે સેનેટાઇઝર પી લીધું હતું. આવી બેદરકારીને કારણે બે લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે ત્રીજાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ઘટના ભીંડના ચતુર્વેદી નગરની છે. અહીં રહેતા રિંકુ લોધી, અમિત રાજપૂત અને સંજુએ હોળીના દિવસે પાર્ટી કરી હતી. ડ્રાય ડેને કારણે આ લોકોને દારૂ ન મળી શક્યો, ત્યારબાદ ત્રણેય બે બોટલ સેનિટાઇઝરની વ્યવસ્થા કરી હતી.
ત્રણેય નશો કરવા માટે સેનેટાઈઝર પીધું. આ પછી ત્રણેય તેમના ઘરે ગયા પરંતુ થોડા સમય પછી તેમની હાલત બગડવા લાગી. જેથી પરિવારજનો તેમને ભિંડની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં રિંકુ લોધીનું મોત નીપજ્યું હતું. સારવાર માટે અમિત અને સંજુને ગ્વાલિયર રિફર કરાયા હતા. ગ્વાલિયર પહોંચ્યા બાદ અમિતનું પણ મોત નીપજ્યું હતું જ્યારે સંજુની સારવાર ચાલી રહી છે.