અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે હાલત બગાડી નાંખી છે ત્યારે સૌથી વધારે અમદાવાદ શહેરની સ્થિતિ ખરાબ કરી છે. આવી કપરી પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આકરો નિર્ણય લીધો હતો. થોડા દિવસ પહેલા પાનના ગલ્લાઓ અને ચાની લારીઓ બંધ કરાવી દેવાનો આદેશ આવ્યો હતો. જે બાદ એએમસી દ્વારા હવે શહેરમાં હેર કટિંગ સલૂન બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવો આદેશ ન આવે ત્યાં સુધી શહેરમાં હેર કટિંગ સલૂન બંધ રહેશે. મહત્તવનું છે કે, શહેરમાં સતત ચોથા દિવસે કોરોનાના પાંચ હજારથી વધારે કેસ નોંધાયા હતા. જેના કારણે એએમસી દ્વારા શહેરમાં હેર સલૂન બંધ કરવામાં આવ્યા છે.
જે આદેશ બાદ આજ સવારથી જ શહેરાં તમામ ઝોનમાં આવેલા હેર સલૂન બંધ કરાવવામાં આવી રહ્યા છે. એએમસીનું માનવું છે કે, હેર સલૂનમાં લોકો ભીડ કરી રહ્યા છે. લોકો અહીં કામ વગર બેસી રહે છે.
એએમસી દ્વારા શહેરના તમામ પાનના ગલ્લા અને ચાની લારીઓ પણ બંધ કરાવી દેવામાં આવી છે. મ્યુનિ.એ 2 હજાર જેટલા પાનના ગલ્લા અને 1500 જેટલી ચાની કીટલીઓ બંધ કરાવી હતી. નવો હુકમ ન થાય ત્યાં સુધી આ બંધ રાખવાનો રાખવાનો આદેશ અપાયો છે.
મહત્ત્વનું છે કે, રવિવારે અમદાવાદમાં કોરોનાના 5790 નવા કેસ નોંધાયા હતાં જ્યારે શનિવારે શહેરમાં 5617 કેસ નોંધાયા હતા. બીજી તરફ રવિવારે શહેરમાં વધુ 13437 લોકોએ વેક્સિન લીધી છે. જેમાં 7280 પુરુષ અને 6157 સ્ત્રીનો સમાવેશ થયો છે.
રવિવારે 45 વર્ષ ઉપરના 6757 સિનિયર સિટીઝનને રસી અપાઈ હતી અને 60 વર્ષ ઉપરના 4996 સિનિયર સિટીઝનને રસી આપવામાં આવી હતી. જ્યારે 998 ફ્રન્ટલાઇન વર્કર્સ અને 736 હેલ્થકેર વર્કર્સને રસી અપાઈ હતી.