ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ અકીલ કુરેશીની બોમ્બે હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના વકીલોએ બીજી ઓક્ટોબરથી એટલે કે આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરવાનું સર્વાનુમતે નક્કી કર્યું છે. ઉપરાંત જજ અકીલ કુરેશની ટ્રાન્સફરને પડકારતી રિટ પણ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવશે. આ રિટ અંગે યોગ્ય ચુકાદો નહીં આવે તો સુપ્રીમ કોર્ટમાં પણ રિટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વિગતો મુજબ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને તાત્કાલિક મીટિંગ બોલાવી જજ અકીલ કુરેશની ટ્રાન્સફર અંગે ચર્ચા કરી હતી. જેમાં 500થી વધુ વકીલો હાજર રહ્યા હતા. આશરે 45 મીનિટ સુધી ચાલેલી ચર્ચા અને ઉગ્ર દલીલોમાં વિવિધ અભિપ્રાયો અને પગલાંઓની ભલામણ કરવામાં આવી હતી. એસોસિએશનનું તારણ છે કે હાઇકોર્ટના સૌથી સિનિયર જજ અકીલ કુરેશનીને ટ્રાન્સફર આપી બોમ્બે હાઇકોર્ટમાં સિનિયોરીટમાં પાંચમા ક્રમાંકે મૂકવા એ ગેરવાજબી પગલું છે. આ ટ્રાન્સફર અનધિકૃત, અનિચ્છનીય અને ગેરવાજબી હોવાનું એસોસિએશનનું માનવું છે.
આ નિર્ણય અને ન્યાયના ઉત્કૃષ્ટ અમલીકરણ સાથે કોઈ સંબંધ નથી. એસોસિએશનનું અભિપ્રાય છે કે આ પ્રકારના નિર્ણય ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર વિપરિત અસર કરનારા છે. જેથી ગુજરાત હાઇકોર્ટના તમામ વકીલો આજતી અનિશ્ચિત સમયની હડતાલ પર ઉતર્યા છે.. ગુજરાતની તાલુકા અને જિલ્લા કોર્ટના બાર એસોસિએશન તેમજ હાઇકોર્ટના સરકારી વકીલોને પણ હડતાલમાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
સિનિયર જજ એ.કે. કુરેશીએ વર્ષ 2012માં ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક અંગેના વિવાદ સંદર્ભે આપેલો ચુકાદો મહત્વપૂર્ણ હતો. ઓક્ટોબર-2011માં ગુજરાતના તત્કાલિન રાજ્યપાલ કમલા બેનીવાલે આર.એ. મહેતાની નિમણૂક લોકાયુક્ત તરીકે કરી હતી. આ નિર્ણયને ગેરકાયદે ઠેરવી રાજ્યપાલના નિર્ણયને રદ કરવા માટે ગુજરાત સરકારે હાઇકોર્ટની ડિવીઝન બેંચ સમક્ષ રિટ કરી હતી.
જજ અકીલ કુરેશી અને જસ્ટિસ સોનિયા ગોકાણીની ડિવીઝન બેંચે તે સમયે આ મુદ્દે ભિન્ન મત પ્રગટ કર્યા હતા. જે પૈકી જજ અકીલ કુરેશીનો મત હતો કે રાજ્ય સરકારની રીટ પર સુનાવણી ન થવી જોઈએ, જ્યારે સોનિયા ગોકાણીએ રાજ્ય સરકારની રીટ સાંભળવા લાયક છે તેવો અભિપ્રાય રજૂ કર્યો હતો. ડિવીઝન બેંચના બન્ને જજનો મત અલગ રહેતા બેંચમાં ત્રીજા જજ વી.એમ. સહાયને સામેલ કરવામાં આવ્યા હતા. જજ વી.એમ. સહાયે જજ કુરેશીના મત સાથે સહમત થયા હતા અને જાન્યુઆરી 2012માં ત્રણ જજની બેંચે 2:1 ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે રાજ્યપાલ કમલા બેનીવાલે કરેલી લોકાયુક્તની નિમણૂક યોગ્ય છે.