અમદાવાદઃ નાની મોટી બાબતોમાં ફાયરિંગ થવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના ચાંદખેડામાં વહેલી સવારે ફાયરિંગની ઘટના બની હતી. અહીં પાકિસ્તાની જેલમાં છેલ્લા ત્રીસ વર્ષ બંધ કુલદીપ યાદવના ચાંદખેડામાં રહેતા ભાઈ પર અગાઉના ભાડુઆતે ફાયરિંગ કર્યું હતું. જો કે તેમણે સ્વ બચાવ માટે પ્રતિકાર કરતા તેમનો આબાદ બચાવ થયો છે. પરંતુ, સામાન્ય ઇજા પહોંચી છે.
ચાંદખેડા વિસ્તારમાં રહેતા સંજય યાદવે પોલીસ ફરિયાદ આપી છે કે તેઓ આજે સવારે સાતેક વાગ્યાની આસપાસ તેઓ નોકરી જવા માટે નીકળ્યા હતા. આ સમયે તેમની સોસાયટીમાં રોડ પર સાયકલ લઈને જઈ રહ્યા હતા. ત્યારે, જીતેન્દ્ર શર્મા નામનો વ્યક્તિ ચાલતો ચાલતો તેમની નજીક આવ્યો હતો અને તેને દેશી તમંચો બહાર કાઢીને કઈ પણ બોલ્યા વગર ફરિયાદીનું મોત નિપજવાના ઇરાદે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
જો કે ફરિયાદીએ સમય સૂચકતા વાપરી નીચે બેસી જતા તેમના ડાબા હાથના અંગુઠાના ભાગે અડીને નીકળી ગયેલ. જો કે તેના છરાથી ફરિયાદીના પેટના ભાગે અને અંગુઠાના ભાગે ઇજા પહોંચી હતી. ફરિયાદીએ તેને પથ્થર મારવાની કોશિશ કરી હતી. પરંતુ, તે ભાગી ગયો હતો. જે બનાવની જાણ ફરિયાદીએ તેમના બનેવી ને કરતા તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા.
આરોપી જીતેન્દ્ર શર્મા ફરિયાદીના બનેવીનો પરિચિત હોવાથી તેને ચારેક વર્ષ પહેલાં મકાન ભાડે આપ્યું હતું. જ્યારે તે પરિચિત હોવાથી જે તે સમયે ફરિયાદીએ કોઈ ભાડા કરાર કે કોઈ પુરાવા લીધા ન હતા. જો કે ત્રણ વર્ષ સુધી રહ્યા બાદ તેને મકાન ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ, ફરિયાદીએ તેની સાથે કોઈ સબંધ રાખ્યો ન હતો. સમગ્ર ઘટનાની જાણ ચાંદખેડા પોલીસને કરતા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.