અમદાવાદઃ અમદાવાદ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ઈકો કારના સાઇલેન્સર ચોરોએ તરખાટ મચાવ્યો છે. સાઇલેન્સર ચોરોએ ઇકો કાર માલિકોની ઉંઘ હરામ કરી દીધી છે ત્યારે પોલીસને પણ દોડતી કરી મૂકી છે. પોલીસે સાઇલેન્સર ચોર ગેંગની ટૂકડીમાંથી કેટલાક લોકોને પકડ્યા છે છતાં પણ સાઇલેન્સરની ચોરી અટકતી નથી. ફરી એકવાર કારમાં સાયલેન્સરની ચોરી થઇ હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ વખતે નવી નક્કોર કાર લીધાના બીજા જ દિવસે સાઈલેન્સરની ચોરી થઈ છે.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના આનંદનગર વિસ્તારમાં હિલપાર્ક બાબુજી વણઝારાના મકાનમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા 23 વર્ષીય રાજેન્દ્રકુમાર ભગોરાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેઓની ઈકો કારના સાઈલેન્સરની ચોરીની ફરિયાદ નોંધાવી છે. તેઓની ફરિયાદ મુજબ 24મી ફેબ્રુઆરીએ તેઓએ નવી ઈકો કારની ખરીદી કરી હતી.
ત્યારે ૨૪મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 9 વાગે તેઓએ પોતાના શેઠ જનકભાઈ ત્રિવેદીને તેમના ઘરે ઉતારી આનંદનગર ચંદ્રમૌલી સ્કુલ સામે આવેલી કેસર જ્વેલર્સ પાસે આવેલી કરીયાણાની દુકાન આગળ ઇકો કાર લોક કરીને પાર્ક કર ઘરે ગયા હતા.
ગુરુવારે સવારે નોકરી પર જવાનું હોવાથી પાર્ક કરેલી જગ્યાએ જઈને ઇકો કાર ચાલુ કરતાં કારનો અવાજ બદલાઈ ગયો હતો. જેથી તેઓએ તપાસ કરતાં ઇકો કારનું સાઈલેન્સર જોવા મળ્યું ન હતું અને આજુબાજુમાં શોધખોળ કરતાં પણ સાઈલેન્સર મળી ન આવતા અંતે તેઓએ પોલીસને જાણ કરી સાઈલેન્સર ચોરીની ફરિયાદ નોંધાવી છે. રૂ.20 હજારની કિંમતના સાઇલન્સરની ચોરી થતાં જ આનંદનગર પોલીસે આસપાસના સીસીટીવી સહિતની વિગતો મેળવી સાઈલેન્સર ચોરી કરનાર યુવકની શોધખોળ શરૂ કરી છે.
બીજી ઘટનામાં હકીકત એવી છે કે આનંદનગર માં રહેતા નાથુભાઈ મીના તેમના શેઠની ઇકો કારમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગત.24 ફેબ્રુઆરીના રોજ તેઓ તેમના શેઠને ઘરે ઉતારી કાર પાર્ક કરી ઘરે ગયા હતા. બાદમાં 25મીએ શેઠને લેવા જવા નોકરીએ જતા હતા ત્યારે ઇકો કાર ચાલુ કરી તો અલગ જ અવાજ આવવાનું શરૂ થયું હતું.
જેથી તપાસ કરતા ગાડીમાંથી સાઈલેન્સર ગાયબ હતું. જેથી તેઓએ પણ આ અંગે આનંદનગર પોલીસને જાણ કરાતા પોલીસે આ અંગે 20 હજારના સાઈલેન્સર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.