અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસની પરિસ્થિતિ અત્યંત દયનિય છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે વિકટ સ્થિતિ છે. ત્યારે અમદાવાદમાં શનિવાર અને રવિવાર એમ સપ્તાહમાં બે દિવસ પાનના ગલ્લા બંધ રાખવાનો એસોસિએશને જાહેરાત કરી હતી.
બીજી તરફ AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફરીને પાનના ગલ્લા તેમજ ચાની કિટલીઓ બંધ કરાવી રહી છે.
અમદાવાદમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ ક્યાં સુધી બંધ રહેશે તે અંગે એએમસી દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એએમસીના મતે શનિવાર અને રવિવાર બાદ પણ પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ બંધ રહી શકે છે.
કોરોના વાયરસના સંક્રમણના પગલે હવે ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં આ ચૂંટણી આગામી 18મી એપ્રિલના રોજ યોજાનારી હતી. આ ચૂંટણી મોકૂફ રાખવાની રજુઆત મુખ્યમંત્રી અને કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.