અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં બર્ડ ફ્લૂ વાયરસ પહોંચી ચુક્યો હતો. જોકે, હવે અમદાવાદ જિલ્લામાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ ચૂકી છે. અમદાવાદના સોલામાં મરઘાંના સેમ્પલો પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું. જેને પગલે અમદાવાદના કલેકટર સંદીપ સાગલેએ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં અસરગ્રસ્ત વિસ્તારમાં 10 કિલોમીટરના વિસ્તારમાં ઇંડા કે મરઘા વેચવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
અમદાવાદના સોલાના એક વિસ્તારમાંથી લેવામાં આવેલા પક્ષીઓના સેમ્પલમાંથી બે પક્ષીઓનાં સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જે બાદમાં પશુપાલન વિભાગ દોડતું થયું છે. પશુપાલન વિભાગે પ્રભાવિત વિસ્તારમાં કામગીરી શરૂ દીધી છે. ઉલ્લેખનીય છે કે ખોરાક અને પાણીના કારણે અન્ય પક્ષીઓમાં પણ બર્ડ ફ્લૂ ફેલાઈ શકે છે. આ કારણે સંક્રમણ વધવાની ખૂબ શક્યતા રહેલી છે. એક કિલોમીટરના અંતરમાં મરઘાં કેટલા છે તેનો સર્વે કરવામાં આવ્યો છે. જોકે, આ વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મ નથી આવેલા પરંતુ જો કોઈના ઘરમાં મરઘાં હશે તેનો નિયમ પ્રમાણે નાશ કરવામાં આવશે. સાથે જ સોલાના દેવીપૂજક વાસમાં સેનેટાઇઝની કામગીરી કરવામાં આવશે.
બર્ડ ફ્લૂના લક્ષણો
પક્ષીઓમાં નબળાઈ આવી જવી, આંખો લાલ થઈ જવી, શ્વાસોશ્વાસ સંબંધી સમસ્યા થવી, નાકમાંથી પાણી પડવું વગેરે બર્ડ ફ્લૂના લક્ષણો છે.
કેવા પગલાં લેવાય છે?
જે વિસ્તરમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા હોય ત્યાં નિયમ પ્રમાણે એક કિલોમીટરમાં મરઘાઓને તાત્કાલિક આર. આર. ટી દ્વારા વૈજ્ઞાનિક ઢબે કિલિંગ કરવામાં આવે છે. તેમજ પ્રતિબંધિત વિસ્તારમાં મરઘાને વૈજ્ઞાનિક ઢબે મારીને તેમના ઈંડા અને ખોરાકનો નાશ કરી પંચનામું કરીને અહેવાલ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત મરઘાં જે જગ્યા પર રાખવામાં આવે છે તેને જંતુમુક્ત કરવામાં આવે છે.
મરઘા ઉછેર કેન્દ્રમાંથી સેમ્પલ લેવાયા હતા
અહેવાલ પ્રમાણે સોલા વિસ્તારમાં મરઘા ઉછેર કેન્દ્ર (ઘરોમાં જ ઉછેર કરવામાં આવતા હતા)માંથી 10 મરઘાના સેમ્પલ લેવામાં આવ્યાં હતા, જેમાંથી બે મરધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદમાં તંત્રએ આ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જે જગ્યાએથી સેમ્પલ પોઝિટિવ આવ્યા છે તેના એક કિલોમીટરના વિસ્તારમાં મરઘાનો નાશ કરવામાં આવશે.