અમદાવાદઃ અમદાવાદના સોલા વિસ્તારમાં એનઆરઆઈ દંપતીની લૂંટના ઇરાદે હત્યા થયાના હજી વધારે સમય થયો નથી ત્યાં વધુ એક હત્યાનો બનાવ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બન્યો હતો. અહીં વસ્ત્રાલ વિસ્તારમાં દુકાનના ભાડાના રૂપિયા લેવા ગયેલા દુકાન માલિકની છરીનાના ઘા મારીને હત્યા કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે ઘોડાસર વિસ્તારમાં વનદેવી બંગલોમાં રહેતા બીપીનભાઈ કે પ્રજાપતિએ પોતાની દુકાન 17 હજાર રૂપિયા મહિને ભાડેથી આપી હતી જેનું ભાડું બાકી હોવાથી ગઈ કાલે રાત્રે તેઓ ભાડુ લેવા ગયા હતા.
આ સમય વસ્ત્રાલ પાર્વતી નગર ખાતે રહેતા દશરથ પ્રહલાદ ઠાકોર અને હિતેન્દ્રસિંહ ભગવાનસિંહ પરમારે છરીના ઘા મારીને હત્યા કરી હતી અને દુકાન બંધ કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે સોલા સ્થિત બંગલોમાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાં શુક્રવારે સવારે ઘૂસેલા ચાર લૂંટારાએ બંનેના ગળા કાપી હત્યા કરી ~ 50 હજાર રોકડા તથા વૃદ્ધાએ પહેરેલા દાગીના મળી 2,45,000 રૂપિયાની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસે હત્યા અને લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.