અમદાવાદઃ અત્યારના કહેવાતા ભદ્ર સમાજમાં પણ દહેજ પ્રથાના કિસ્સાઓ બનતા રહે છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં પણ આ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં અહીં લેબ. આસિસ્ટન્ટ પત્નીને તેના પતિએ કહ્યું કે, “તું લગ્નમાં દહેજ પેટે કંઈ લાવી નથી, તું તારાં માતાપિતા પાસેથી પૈસા લઈ આવ.” પતિ તેની પત્નીને આવું કહીને ઢોર માર મારીને માનસિક ત્રાસ આપતો હોવાથી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
શાહપુરમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ તેના પતિ સહિત સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતા લેબ. આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેનાં લગ્ન વર્ષ 2018માં સમાજના રીત રિવાજ મુજબ થયાં હતાં.
લગ્નના થોડા સમય સુધી સાસરિયાએ પરિણીતાને સારી રીતે રાખી હતી. ત્યાર બાદ લગ્નનાં છ મહિના પછી પતિએ પરિણીતાને કહ્યું કે, તું દહેજમાં કાંઈ લાવી નથી. તારા માતાપિતા પાસેથી પૈસા લઈ આવ.”
આમ કહેતાં પત્નીએ કહ્યું કે, “તમારે જે જોઈએ તે હું નોકરી કરીને લાવી આપીશ. હાલ મારા માતાપિતા પાસે કાંઈ નથી.” આ ઉપરાંત પતિ અવારનવાર તેની પત્નીને મ્હેંણા ટોણા મારતો હતો અને માર પણ મારતો હતો. આ બાબતે પરિણીતાએ તેના સાસુને વાત કરી તો તેઓ પણ કહેતાં હતાં કે, “તારાં ભિખારી માતાપિતાને ઘરેથી તું કશું લાવી નથી. તારે અહીં રહેવું હોય તો અમે કહીએ તેમ કરવું પડશે.” આવું કહીને સાસુ ઝઘડો કરતાં હતાં.
આ બાબતે પરિણીતાએ ઠપકો આપતાં પતિએ તેણીને ઢોર માર માર્યો હતો. જે બાદમાં પરિણીતા બચીને નજીકમાં રહેતા તેના પિયરમાં જતી રહી હતી. પરિણીતાએ તેનાં માતાપિતાને આ અંગે જાણ કરીને શાહપુર પોલીસ સ્ટેશનમાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.