અમદાવાદઃ સામાન્ય રીતે એસિડ અટેકની વાત સાંભળીએ ત્યારે આપણા મનમાં પહેલા વિચોર એ આવે કે કોઈ યુવકે યુવતી ઉપર એસિડ ફેંક્યું હશે. પરંતુ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં બે યુવકોએ એક બીજા ઉપર એસિડ ફેંક્યું હતું. એ પણ સામે જોવા અંગે ગાળો બોલવા જેવી સામાન્ય બાબત ઉપર યુવકોએ આ ક્રૂત્ય આચર્યું હતું. મારામારી અને એસિડ અટેકની આ ઘટનામાં બંને યુવકોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી હતી.
માધુપુરામાં રહેતો 29 વર્ષીય અક્ષય ચુનારા કાપડની દુકાનમાં નોકરી કરે છે. 23મીએ તે તેના ઘરની બહાર ઉભો હતો. ત્યારે સામે રહેતો રાકેશ દંતાણી ગાળો બોલતો હતો. તેને ગાળો બોલવાની ના પાડતા તેને બોલાચાલી કરી અને બાદમાં મારામારી કરી હતી. રાકેશ એટલો આવેશમાં આવી ગયો કે, તરત તેના ઘરે ગયો અને એક બોટલમાં એસિડ ભરીને લઈને આવ્યો હતો.
બોટલમાં ભરેલું એસિડ ફેકતા જ અક્ષય પર છાંટા ઉડયા હતા. જેથી અક્ષય મોઢા અને ગળાના ભાગે દાઝી ગયો હતો. તાત્કાલિક લોકો ભેગા થઈ ગયા અને અક્ષયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. બાદમાં માધુપુરા પોલીસને જાણ કરાતા પોલીસે રાકેશ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ત્યારે બીજી ફરિયાદ મુજબ અહીં રહેતા રાકેશે અક્ષય સામે ફરિયાદ નોંધાવી છે. તેણે આક્ષેપ કર્યો છે કે, તેના ઘર પાસે ઉભો હતો. ત્યારે અક્ષયે તું મારી સામે કેમ જોવે છે કહીને બબાલ કરી હતી. બાદમાં અક્ષયે મારામારી કરી હતી અને બાદમાં તે તેના ઘરે ગયો હતો.
જ્યાંથી તે એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને આવ્યો હતો અને તે બોટલ પડતા જ રાકેશને અને તેના પાંચ વર્ષના બાળકને બળતરા અને ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર અર્થે ખસેડાતા માધુપુરા પોલીસને આ અંગે જાણ કરાઈ હતી. આ મામલે માધુપુરા પોલીસે પણ અક્ષય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.