રાજ્ય સરકારે અનલોકમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં છુટછાટો આપી હતી પણ સાથે નિયમોનું પાલન કરવાના દિશા-નિર્દેશ પણ આપ્યા હતા પણ વાસ્તવિકતા એ છે કે, નિયમોનું પાલન કરવામાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન તંત્ર સદંતર નિષ્ફળ નીવડયું છે જેથી અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ કોરોના ફરી વધી રહ્યો છે અને સ્થિતિ બગડી રહી છે. AMCએ આજે શહેરભરમાં અચાનક ચાની કીટલીઓ બંધ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી.
ચાની કીટલીઓ સહિતના વાણિજ્ય એકમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા જેવા નિયમોનું પાલન થતું નથી જેથી કેસોમાં વધુ ઉછાળો આવે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. જેથી મ્યુનિ.એ નિયમોના ભંગ બદલ ૩૨ ચાની કીટલી સહિતના એકમો સીલ કરી દીધાં હતાં તો ૧૧૨૪ ચાની કીટલીને બંધ કરવાની ફરજ પાડી હતી. મ્યુનિ.એ સત્તાવાર એવું જાહેર કર્યું છે કે, ૧૧૨૪ ચાની કીટલીઓ સ્વયંભૂ બંધ કરાઇ હતી પણ તે વાત હજમ થાય તેમ નથી.
મ્યુનિ. દ્વારા જુદા-જુદા વોર્ડમાં માસ ટેસ્ટિંગની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. માસ ટેસ્ટિંગમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. હવે કોરોનાના કેસ કાબૂમાં લેવા માટે તમામ એકમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવામાં આવે તે જરૂરી છે. આથી, મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજથી ચાની કીટલી સહિત અન્ય એકમોમાં ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
આવતીકાલથી મ્યુનિ. દ્વારા શહેરભરમાં તમામ એકમોમાં ચકાસણી કરવામાં આવશે અને જ્યાં ભીડ એકત્ર થતી હોય અને નિયમોનો છેદ ઉડતો હોય તેવા એકમોને સીલ કરવામાં આવશે. મ્યુનિ.એ ચાની કીટલીઓ બંધ રાખવા અંગે કોઇ જાહેરાત કરી નથી પણ તમામ એકમો કોરોનાને ગાઇડલાઇનનું પાલન કરે તે અંગે કડક વલણ અપનાવ્યું છે. મંગળવારે કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે મ્યુનિ.ના અધિકારીઓની બેઠક મળી હતી જેમાં તમામ એકમોમાં કડકાઇથી નિયમોનું પાલન કરવા માટે આદેશ કરાયો છે.
એકતરફ કોરોના કાબૂમાં હોવાનો દેખાડો બીજી તરફ ચાની કીટલીઓ સામે તવાઇ
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દૈનિક ધોરણે માત્ર ૧૪૦થી ૧૫૦ કેસ જાહેર કરાય છે પણ વાસ્તવિકતા એ છે કે, શહેરમાં એન્ટિજન ટેસ્ટના આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે. એક તરફ અમદાવાદ મોડેલના નામે કોરોનાને કાબુમાં લીધો હોવાના બણગાં ફૂંકવામાં આવી રહ્યાં છે પણ વાસ્તવિક સ્થિતિ એવી છે કે, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ વણસી રહી છે. AMC તંત્ર કોરોના કાબુમાં હોવાનો દેખાડો કરાઇ રહ્યો છે.
બીજી તરફ કોરોનાનું સંક્રમણ વધતાં ચાની કિટલીઓ ઉપર તવાઇ બોલાવવામાં આવી રહી છે. ટૂંક સમયમાં કોર્પોરેશનની ચૂંટણી યોજાવવાની છે જો સાચા આંકડા જાહેર કરાય તો AMC તંત્ર ફેલ ગયું હોવાની પોલ ખુલી જાય તેમ છે.