ગાંધીનગર- કોરોના વાઇરસને પગલે પ્રવાસન ઉદ્યોગને ફટકો પડ્યો છે ત્યારે હોટેલ ઉદ્યોગ સ્થાનિક તેમજ વિદેશી પ્રવાસીઓને લઈને ચોકસાઈ વર્તી રહી છે. અમદાવાદની હોટલો દ્વારા તેમના તમામ મહેમાનોને આરોગ્ય સુવિધા મળે અને સ્ટાફ ચોખ્ખાઈ અંગે વધુ સતર્કતા રાખે તે માટે તાકીદ કરવામાં આવી રહી છે.
અમદાવાદની હોટલોમાં ગયા અઠવાડિયા સુધી વિદેશી પ્રવાસીઓની સંખ્યા મોટી હતી, જો કે હાલમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. હોટલ સંચાલકો તમામ પ્રકારની સતર્કતા રાખી રહ્યા છે. હોટલના રિસેપ્શન પર સેનિટાઇઝર અને માસ્ક મળે તેવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ગુજરાત સરકારે હોટલો અને રેસ્ટોરન્ટમાં તકેદારી રાખવાની ગાઇડલાઇન પણ જાહેર કરી છે.
કાસા બ્લાન્કા રિસોર્ટના ડિરેક્ટર મિલિન્દ શાહે જણાવ્યું હતું કે, “હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ માટે સાવચેતીની માર્ગદર્શિકાનું અમે પાલન કરી રહ્યા છીએ. પ્રવાસીનો રેકોર્ડ ચકાસીએ છીએ અને તેઓ કયા દેશથી આવી રહ્યા છે અને અગાઉ ક્યાં મુસાફરી કરી તેની વિગતો લઈએ છીએ. અમારા સ્ટાફને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈ પ્રવાસીને તાવ કે અન્ય લક્ષણો નજરે પડે તો મેનેજમેન્ટને તાત્કાલિક જાણ કરે.”
નાલંદા હોટેલ જૂથના અને હોટેલ અને રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ગુજરાતના ચેરમેન તુલસી ટેકવાનીએ જણાવ્યું હતું કે, “હાલમાં એરપોર્ટ પરથી જ સ્ક્રિનિંગ થઈ રહ્યું છે. સ્થાનિક પ્રવાસીઓ આવી રહ્યા છે, તેમાંય છેલ્લા બે-ત્રણ દિવસથી તો વિદેશી પ્રવાસીઓની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે. જો કે સામાન્ય દેખરેખ કે સેનિટાઇઝર વાપરવા કે અન્ય સતર્કતા રાખી રહ્યા છે.”
પ્રેસિડેન્ટ હોટેલના જયકિશન જાદવાણીએ જણાવ્યું હતું કે, “કોરોના વાઇરસની ઊભી થયેલી સ્થિતને પગલે અમે અમારા સ્ટાફને ખાસ તાલીમ આપી છે, જેમાં તેમને દિવસમાં ચારથી પાંચ વાર હાથ ધોવા સહિતની સૂચના આપી છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ માસ્ક પહેરીને ફરવાની અથવા જેને માસ્કની જરૂર હોય તેને આપવાની તકેદારી રાખીએ છીએ. સાથે આસપાસના વિસ્તારોમાં પણ દવાના છંટકાવ કે પેસ્ટ કંટ્રોલ જેવી બાબત પર ધ્યાન આપીને તમામ સતર્કતા રાખી રહ્યા છીએ.”