અમદાવાદઃ દુષ્કર્મની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે અમદાવાદના ચંડોળા વિસ્તારમાં એક સનસની ગેંગરેપની ઘટના બની હતી. આરોપીઓએ યુવતીને નશીલી દવાની 15 ગોળીઓ આપીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. દવાનો ઓવરડોઝ અને મોઢામાં રૂમાલનો ડૂચયો ભરાવ્યો હોવાથી યુવતીનું મોત નીપજ્યું હતું. આરોપીના ઘરમાંથી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
ઘટના અંગે મધુ મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતો મુળ નેપાળનો 30 વર્ષનો યુવક છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં રહી ખાનગી નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. એક મહિના પહેલાં પત્ની અને બાળકોને અમદાવાદ લાવ્યો હતો. આ પરિવારને મકાનની તલાશ હતી. આ યુવકની પત્ની નુપુર (નામ બદલ્યું છે) તા. 17ના સાંજે ઘરની ખરીદી માટે ચંડોળા તળાવ પાસે નીકળી હતી. આ સમયે શટલ રિક્ષામાં રાજુ સોલંકી, ઈમરાન સલાટ અને ઈસ્માઈલ ઉર્ફે શકીલ પઠાણ નામના ત્રણ યુવકો બેઠાં હતાં તેમાં બેસીને એ આગળ વધી હતી.
આ યુવકોએ વાતચિત કરતાં મકાનની તલાશ હોવાની યુવતીએ વાતચિત કરી હતી. ત્રણ યુવકો મકાન બતાવવાના બહાને દાણીલીમડા ચાર રસ્તા, બહેરામ પુરા, શાહઆલમ દરવાજા, બહેરામપુરા પાર્ક એવન્યુ અને જમાલપુર બ્રિજ વિસ્તારમાં ફેરવતાં રહ્યાં હતાં. રસ્તામાં નુપુરએ માથામાં દુઃખાવો થતો હોવાની વાત કરતાં આ યુવકોએ પાંચ નાની ટેબલેટ આપી હતી. બાદમાં, નુપુરએ ભાન ગુમાવતાં શારીરિક અડપલાં શરુ કર્યાં હતાં. નુપુરને વધુ પાંચ ગોળીઓ ખવડાવી કોરોનાનો રાત્રિ કરફ્યૂ અમલી બની ગયો હોવાનું કહી બહેરામપુરાના દબાણ ગોડાઉનની સામે ચામુંડાની ચાલી સામે રિક્ષાચાલક રાજુ સોલંકીના ઘરે લઈ જવામાં આવી હતી.
રાજુ સોલંકીના ઘરે લઈ જઈ બીજી પાંચ ગોળી પીવડાવી દેવામાં આવી હતી. બાદમાં, રાજુ સોલંકી અને ઈમરાન સલાટે વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી બૂમો ન પાડે તે માટે મોઢા ઉપર કપડાંનો ટૂકડો દબાવી દીધો હતો. આ રીતે ગેંગ રેપ આચરીને કપડાનો ટુકડી દબાવીને નેપાળથી આવેલી યુવતીની હત્યા નિપજાવવામાં આવી હતી. યુવતીનું મૃત્યુ નિપજતા મુખ્ય આરોપી, ક્રાઈમ બ્રાન્ચનો બાતમીદાર રાજુ સોલંકી અને બે સાગરિતો ઈમરાન સલાટ અને ઈસ્માઈલ પઠાણ નાસી છૂટયા હતા. રાજુ જોવા ન મળતાં ત્રીજા દિવસે તેની બહેન તેના ઘરે પહોંચી તો ભાઈ રાજુ સોલંકીના ઘરમાં યુવતીનો કહોવાયેલો મૃતદેહ જોવા મળ્યો હતો.
કોઈએ જાણ કરતાં દાણીલીમડા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એમ. લાલીવાલા અને ટીમ સ્થળ પર પહોંચ્યા હતા. ગેંગ રેપ વીથ મર્ડરનું વર્ણન કરતાં ઘટનાક્રમને ધ્યાનમાં લઈ તપાસના ચક્રો ગતિમાન કરાયાં હતાં. પોલીસે શોધખોળ શરુ કરતાં જ જેનું મકાન હતું તે રાજુ સોલંકી પોતે બાતમીદાર હોવાથી ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો. ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરી રાજુ સોલંકીને દાણીલીમડા પોલીસને હવાલે કર્યો હતો.
બનાવની ગંભીરતા ધ્યાને લઈ એસીપી એમ.એલ. પટેલે ટીમો કામે લગાવી હતી. રાજુ ઉર્ફે વટાણો રામજીભાઈ સોલંકી (ઉ.વ. 20) હાથમાં આવતાં જ તેના બે સાગરિત ઈમરાન ઈકબાલહુસેન સલાટ (ઉ.વ. 28) અને ઈસ્માઈલખાન ઉર્ફે શકીલ ઉર્ફે પકોડો વજીરખાન પઠાણ (ઉ.વ. 29)ના નામ ખૂલ્યાં હતાં. દાણીલીમડા પોલીસે ઈમરાન અને ઈસ્માઈલને નડિયાદથી ઝડપી લીધાં હતાં. એક મહિના પહેલાં જ નડિયાદથી આવેલી યુવતી સાથે ગેંગ રેપ અને હત્યાના ઘૃણાસ્પદ કિસ્સાના ત્રણ આરોપીને ઝડપી લેવાયાં છે. જ્યારે, ચોથો આરોપી મુકેશ રસ્તામાં ઉતરી ગયો હોવાથી તેનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.