અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી અમદાવાદ શહેરની મુખ્ય ગણાતી પરિવહન સેવાઓ AMTS અને BRTS બસ સેવાઓ બંધ કરી દીધી છે. પરંતુ આ નિર્ણયથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા ટાણે જ આ પ્રકારનો નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓ મૂંજાયા છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આપવા કરતા પરીક્ષા કેન્દ્ર પર કેવી રીતે પહોંચવું તે વિદ્યાર્થીઓ માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેવાનું છે. પરીક્ષા સમયે જ સીટી બસો બંધ કરવાના નિર્ણયનો વિરોધ વિદ્યાર્થી સંગઠનોએ નોંધાવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આજથી ગુરુવારથી પરીક્ષા શરૂ થઈ રહી છે. BA, Bcom, BSc સહિત વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની ફસ્ટ સેમિસ્ટરની પરીક્ષા યોજાવાની છે. જેમાં શહેરના અલગ અલગ કોલેજમાં ફાળવવામાં આવેલા પરીક્ષા કેન્દ્ર પર અંદાજે 70 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. બપોરે 12થી 2 અને 3થી 5 એમ બે તબક્કામાં આ પરીક્ષા યોજાવવાની છે.
પરંતુ આ પરીક્ષા પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં દોડતી AMTS અને BRTS બસો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના વધી રહેલા કેસને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર પર કેવી રીતે પહોંચવું તે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.
AMC દ્વારા અચાનક લેવાયેલ આ નિર્ણયનો જોરશોરથી વિરોધ સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં અલગ અલગ કોલેજોમાં યોજાનાર આ પરીક્ષા આપતા પહેલા વિદ્યાર્થીઓ અટવાઈ પડે તે પહેલાં યા તો રદ કરવામાં આવે કે પછી પરીક્ષા ઓનલાઇન લેવામાં આવે તેવી માંગ અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવી છે.
મહત્વનું છે કે, હાલમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ 16 માર્ચથી શરૂ થઈ છે. ત્યારે બસો બંધ રાખવાના નિર્ણયને પગલે તે વિદ્યાર્થીઓને પણ હાલાકી પડશે તે નક્કી છે. અગાઉ ઓનલાઈન પરીક્ષામાં ટેક્નિકલ ખામી સર્જાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો ત્યારે આ પરીક્ષા સમયે પણ બસો બંધ રાખવાનો વિવાદ વધુ ઉગ્ર બને તો નવાઈ નહિ.