અમદાવાદઃ અમદાવાદ શહેરમાં એક આત્મહત્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. અને એક પરિણીતાએ આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવીને પોતાના પતિને મોકલ્યો હતો. અને જેમાં તેણે પોતાની મરજીથી આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. પરિણીતાએ રિવરફ્રન્ટ ઉપરથી સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ફાયરબ્રિગેડને જાણ થતાં ટીમે પરિણીતાની લાશને બહાર કાઢી હતી. અને પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળી કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વટવામાં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં મોટી દીકરી હીના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. તેઓએ દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ વર્ષ 2018 માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશા ને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝઘડો કરી આઇશા ને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે વળાવી હતી.
ફરીથી વર્ષ 2019 માં આઇશાને તેના સાસરિયાઓ તેને પિયરમાં મૂકી જતા આઇશા તેના માતા પિતા સાથે રહેતી હતી. બાદમાં જમાઈ આરીફ આઇશા ના ઘરે આવ્યો અને દહેજ માંગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો. બાદમાં ફરી આઇશાને તેડી જઈ પાછી તેને પિયરમાં મૂકી જતા આઇશાએ વટવા પોલીસસ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.
ગત ગુરુવાર ના રોજ આઇશા નોકરીએ ગઈ હતી. બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેના પિતાને ફોન કર્યો અને તમે જમ્યા કે નહી તેમ પૂછી ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં આઇશા એ મેં આજે આરીફને ફોન કર્યો હતો તેવું જણાવતા તેના પિતાએ તેને કેમ ફોન કર્યો શુ કહ્યું તેણે તેવું પૂછ્યું હતું. આઇશા એ જણાવ્યું કે આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી , આઇશાએ હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફે કહ્યું હતું કે તારે મરવું હોય તો મરી જા તેમ કહી મને વિડીયો મોકલજે તેવું કહેતા આઇશાએ તેને વીડિયો મોકલ્યો હતો.
આ સમયે આઇશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. બાદમાં આઇશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. બાદમાં માતા પિતા તેને શોધવા નિકળયા ને આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે નદીમાં સર્ચ કરી એક મહિલાની એટલેકે આઇશાની ડેડબોડી બહાર કાઢી હતી.
જેથી ત્યાં પોલીસને જાણ કરાતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ પણ ત્યાં પહોંચી અને બાદમાં આઇશાના મોબાઈક ફોનમાં જોયું તો તેણે એક વિડીયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આપઘાત કરતા પોલીસે આ મામલે વિડીયોના પૂરાવાના આધારે આઇશાના પતિ સામે દુષપ્રેરણા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.