અમદાવાદ: કોરોના વાયરસના કારણે દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે. આ સમયે દર્દીઓને બચાવવા માટે રેમડેસિવીર ઇન્જેક્શન ખુબ જ ઉપયોગી હોવાથી ઇન્જેક્શનની અછત સર્જાઈ છે. અછત સર્જાતા લોકો બ્લેક માર્કેટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પોલીસ પણ સક્રિય બની ગઈ છે. અને અનેક લોકોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે ત્રણેક કેસ કરી રેમડેસિવીરના કાળા બજાર પરથી પડદો ઊંચક્યા બાદ ઝોન-2 ડીસીપી સ્ક્વોડે આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં રામોલ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. હવે ઝોન-1 ડીસીપી સ્ક્વોડે એક આરોપીની રેમડેસિવીર ઇન્જેક્શનના જથ્થા સાથે ધરપકડ કરી છે. આરોપી જય પાસેથી છ ઇન્જેક્શન મળી આવ્યા છે. જે સુરતના ડૉ. મિલન સુતરિયા અને જુહાપુરાની રુહી પાસેથી 9 હજારમાં ખરીદી 11 હજારમાં વેચવાનો હોવાની કબૂલાત કરી છે.
શહેરના ઝોન-1 ડીસીપી રવિન્દ્ર પટેલની સ્ક્વોડને બાતમી મળી હતી કે રેમડેસિવીર ઇન્જેક્શન ગેરકાયદેસર મેળવી તેની કૃત્રિમ અછત ઊભી કરી, આ માટે કોઈપણ પ્રકારના દવાના ઉપયોગમાં લેવાતા ખરીદ વેચાણનું લાયસન્સ ન ધરાવતા હોવા છતાં એક શખ્સ ઇન્જેકશનનું વેચાણ કરે છે. તેઓ એસ.જી.હાઈવે કારગીલ પેટ્રોલ પંપની સામે આવતા તેઓને બાતમી મળી હતી કે એક્ટિવા પર આ શખ્સ ઇન્જેક્શનનો જથ્થો લઈને નીકળવાનો છે. જેથી તેઓ તેમની ટીમ સાથે ત્યાં વૉચમાં ગોઠવાઈ ગયા હતા.
બાતમીને આધારે એક્ટિવા લઈને જય શાહ (રહે. ભાવસાર શેરી, સરખેજ ગામ) ત્યાં મળી આવ્યો હતો. જેથી પોલીસે તેને રોકી તેની પૂછપરછ કરી તપાસ શરૂ કરી હતી. તેની પાસે રહેલા એક થેલામાં તપાસ કરતા છ નંગ ઇન્જેક્શન મળી આવ્યા હતા. જેમાં વાદળી કલરના બૂચવાળા બે ઇજેક્શન ભરેલા હતા અને લાલ કલરના બૂચવાળા બે ઇન્જેક્શન પ્રવાહી ભરેલા હતા તથા સફેદ કલરના બૂચવાળા બે ઇન્જેક્શન પાઊડર ભરેલા હતા.
જય શાહ પાસે આ ઇન્જેક્શન રાખવાનું બિલ કે આધાર પુરાવા માગતાં તેની પાસે આવા કોઈ ડોક્યુમેન્ટ મળી આવ્યા ન હતા. જેથી તેની અટકાયત કરી તેની વધુ પૂછપરછ કરતાં આ ઇન્જેક્શન તેણે સુરતના ડૉક્ટર મિલન સુતરીયા પાસેથી કાળા બજારમાં વેચવા માટે 9 હજાર લેખે 54 હજારમાં મંગાવ્યા હતા અને તેનું પેમેન્ટ google pay અને બેંક ટ્રાન્સફરથી કર્યું હતું. જે પૈકીના બે ઇન્જેક્શન આરોપીએ તેની માતા શકુંતલા બહેનને આપ્યા હતા અને સુરતના ડૉક્ટર મિલન સુતરીયાએ આ ઇન્જેક્શનનો જથ્થો આરોપીને કુરિયર મારફતે મોકલ્યો હતો.
જ્યારે સફેદ બૂચવાળા ઇન્જેક્શન આરોપી જયે જુહાપુરા અંબર ટાવર પાસે રહેતી રુહી પાસેથી કાળા બજારમાં વેચવા માટે 16 હજાર રૂપિયામાં લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આરોપી 9 હજારમાં આ ઇન્જેક્શન ખરીદી 11,000માં લોકોને ગેરકાયદે વેચાણ આપતો હોવાની કબૂલાત કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી સોલા પોલીસને સોંપ્યો હતો. પોલીસે આ તમામ ઇન્જેક્શન, મોબાઇલ ફોન અને એક્ટિવા સહિતનો 75 હજારનો મુદ્દામાલ કબજે કરી સુરતના ડૉક્ટર મિલન સુતરીયા તથા રુહી નામની મહિલાને પકડવા તજવીજ હાથ ધરી છે.