અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે અનેક નાના-મોટા શહેરોમાં આશંકી લોકડાઉન લાદવામાં આવ્યું છે. મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ પણ અમલમાં છે. આવી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદમાં પાન મસાલાના ગલ્લાઓ બંધ કરી દેવાયા છે. ત્યારે માવા મસાલાના બંધાણીઓ કોઈના કોઈ રીતે માવા મસાલાની સગવડ કરતા હોય છે. પરંતુ રાત્રી કર્ફ્યૂ દરમિયાન મસાલા માટે મારામારીની ઘટના બની હતી. શહેરના સેટેલાઈટમાં મોડી રાતે ત્રણ યુવકોએ ગલ્લે આવીને મસાલા માગ્યો હતો, પરંતુ યુવકે મસાલો આપવાની ના પાડતા ત્રણેયે તેને શર્ટનો કોલર પકડીને લાકડીથી માર માર્યો હતો. જોકે આસપાસના લોકો ભેગાં થતાં ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા.
સેટેલાઈટ શ્રેયસ ટેકરા રાજીવનગર-1માં રહેતા મુકેશભાઈ ગોવિંદભાઈ પરમાર(41) ઘરથી થોડે દૂર પાન-મસાલાનો ગલ્લો ધરાવે છે. જોકે રાજ્ય સરકારે કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી 15 દિવસથી પાનના ગલ્લા બંધ કરાવ્યા હોવાથી મુકેશનો ગલ્લો પણ બંધ હતો.
દરમિયાન મુકેશ રાતના સમયે ઘર આગળ ખાટલા પર સૂતો હતો. ત્યારે રાજીવનગરમાં રહેતા દલો ચૌધરી, કેતન અને હર્ષ એક્ટિવા લઈને મુકેશ પાસે આવ્યા હતા. તે સમયે કર્ફ્યૂનો અમલ શરૂ થઇ ગયો હતો. તેમ છતાં દલાએ મુકેશ પાસે મસાલા માગતાં મુકેશે કહ્યું કે 15 દિવસથી ગલ્લો બંધ છે એટલે મસાલા નહીં મળે.
ત્યારબાદ દલાએ તેમના પર ગુસ્સે થઇ ત્રણેયે મુકેશને ગડદાપાટુ અને ફેંટોનો માર માર્યો હતો. જ્યારે ત્રણેયે એક્ટિવા પર બેસી જઇ મુકેશના શર્ટનો કોલર પકડીને એક્ટિવા ચલાવીને મુકેશને દૂર સુધી ઢસડી લાકડી વડે ફટકાર્યો હતો. આ ઘટનાના પગલે આસપાસના લોકો ભેગાં થઇ જતાં ત્રણેય ભાગી ગયા હતા. આ અંગે મુકેશે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.