અમદાવાદઃ જમીન પચાવી પાડવાની ઘટનાઓ સામે સરકારે લાલ આંખ કરીને કાયદો બનાવ્યો છે ત્યારે આ કાયદા હેઠળ અનેક લોકોની ધરપકડ તો અનેક ફરિયાદો પણ થઈ છે. અમદાવાદમાં એક મહિલાએ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પિતાની જમીન પચાવી પાડનાર ત્રણ લોકો સામે ફરિયાદ કરી હતી જેથી આ લોકોને ધાકધમકીઓ આપી હતી.
અમદાવાદનાં ચાંદખેડા ગોલ્ડન વિલા બંગ્લોમાં રહેતા માયાબેન અરોરાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ મુજબ તેમના પિતાની ગાંધીનગર જિલ્લાના ભાટ ગામે માલિકીની 60 કરોડની કિંમતની 9,800 વાર એટલે પોણા ત્રણ વીઘા જમીન આવેલી છે. જે જમીન પર વર્ષ 2016માં સાબરમતીના બળદેવ દેસાઈ, ચંપાબેન દેસાઈ, સાકળચંદ પટેલ તેમજ મનોજભાઈ પંચાલે ગેરકાયદે કબ્જો જમાવી લીધો છે. જેથી મહિલાએ આ મામલે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ અરજી આપી હતી. જે અરજી અનુસંધાને અત્યારે ગાંધીનગર એલ.સી.બી ઓફિસમાં તપાસ ચાલી રહી છે.
ગત તા. 17 મી ફેબ્રુઆરીના રોજ મહિલા તેઓના માતાપિતા સાથે ઘરે હતા. આ સમયે સાંજના સાત વાગે માયાબેન અરોરાનાં ઘરે બળદેવ દેસાઈ, મનોજ પંચાલ તેમજ કનુ દેસાઈ નામના ત્રણ લોકો આવ્યા હતા. જેઓ સાથે ભાટ ગામની જમીન બાબતે ચર્ચા ચાલતી હતી. આ સમયે મહિલાનો ભાઈ પણ ઘરે આવ્યો હતો અને વાતચીત ચાલી રહી હતી. વાતચીત દરમિયાન ઘરે આવેલા ત્રણેય શખ્સોએ મહિલાને કહ્યું હતું કે “તમે અમારી વિરુદ્ધ ગાંધીનગર ખાતે જે અરજી કરી છે તે પરત ખેંચી લો.” જેથી મહિલાએ તેઓની અરજી પરત ખેંચવાની ના પાડતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈને મહિલાને કહ્યું હતું કે “અમારી વગ ઉપર સુધી છે, તમારું કંઈ નહીં આવે, જો તમે અરજી પાછી નહીં લો તો પાછળથી તકલીફ પડે તો અમને કંઈ કહેતા નહીં. તમને જોઈ લઈશું.” આવી ધમકી આપીને ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા.
આવી ધમકી બાદ મહિલા ડરી ગઈ હતી. જે બાદમાં પરિવારના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બળદેવ દેસાઈ, મનોજ પંચાલ અને કનુ દેસાઇ સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે ચાંદખેડા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્ત્વનું છે કે આ કેસમાં આરોપી બળદેવ દેસાઈ એસીબીના ઈતિહાસમાં સૌથી ભ્રષ્ટ કલોલનાં નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈનો ભાઈ હોવાનું સામે આવ્યુ છે. એસીબીએ વિરમ દેસાઈ પાસેથી 33.47 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી હતી. તેમજ 11 મોંધીદાટ લક્ઝ્યુરીયસ કાર ઉપરાંત 11 દુકાનો, 3 ફ્લેટ, 2 બંગલા, એક ઓફિસ અને 30 બેંક એકાઉન્ટ અન ગાંધીનગરમાં બે પ્લોટ સહિત કરોડોની જમીન મળી આવી છે. આ કેસમાં પણ વિરમ દેસાઈની સંડોવણી છે કે કેમ તે પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે.