ગાંધીનગર ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સંસદસભ્યો તેમજ ધારાસભ્યોને લોકડાઉનનો કડક અમલ કરાવવાની જવાબદારી સોંપી છે. આ સાથે કોરોના શંકાસ્પદ વ્યક્તિના આરોગ્ય પરિક્ષણ માટે સતર્કતા દાખવવાની સૂચના આપી છે. રૂપાણીએ પ્રજાના પ્રતિનિધિઓ સાથે મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના સાંસદો તેમજ ધારાસભ્યો સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિને ટેસ્ટ કરાવવા માટેની પ્રેરણા આપવાનું કામ જનતાના પ્રતિનિધિઓનું છે. રૂપાણીએ મુખ્યસચિવ અનિલ મુકિમ અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સાથે પણ વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી.
રૂપાણીએ કહ્યું હતું કે લોકડાઉનનો સમયગાળો 3જી મે સુધી છે ત્યારે તે સમય દરમ્યાન આખા શઙેરમાં પોલીસ સાથે મળીને આરોગ્ય વિભાગે સંક્રમણનો ફેલાવો અટકે તે માટે વધુને વધુ વ્યક્તિઓનું સર્વેલન્સ કરીને પોઝિટીવ કેસ શોધવા અને આવા વ્યક્તઓને આઇસોલેટ કરવાની કાર્યવાહી થવી જોઇએ.
વિજય નહેરાએ કહ્યું હતું કે શરદી અને તાવના લક્ષણો ધરાવતા વ્યક્તિઓની આરોગ્ય તપાસણી અને પેસીવ સર્વેલન્સ થાય છે. હવે કોરોના પ્રભાવિત વિસ્તારોમાં એક્ટિવ સર્વેલન્સ કરી વધુ સંક્રમણ અટકાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે અમદાવાદ મહાનગરમાં વ્યાપક ઝૂંબેશથી દર 10 લાખની વસ્તી દીઠ 2000થી વધુ સેમ્પ્લ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. માત્ર અમદાવાદમાં અત્યાર સુધી 12411 લોકોના ટેસ્ટ થયા છે આ સંખ્યા અન્ય રાજ્યોની તુલનાએ ઘણી વધુ છે