ગાંધીનગર – અમદાવાદના એક ઉદ્યોગજૂથે શ્રમિકોના એક સમૂહને ઉત્તરપ્રદેશમાં ફોન કર્યો અને કહ્યું કે હવે પાછા આવી જાવ, તમને નોકરી પર રાખીએ છીએ… સામે શ્રમિકોએ કહ્યું કે અમદાવાદમાં અને સુરતમાં કોરોના વાયરસના દર્દીઓ વધી રહ્યાં છે ત્યારે શું અમે મરવા માટે ગુજરાત આવીએ? .. આ ઉદ્યોગજૂથે ઉંચા પગારની ઓફર કરી તેમ છતાં શ્રમિકોના આ સમૂહે કહ્યું કે હવે દિવાળી સુધી રાહ જુઓ.. અમે સ્થિતિ જોઇને પાછા આવીશું. અત્યારે લોકલ ગોઠવણ કરી લો…
શ્રમિકોની વાત પણ સાચી છે. ગુજરાતમાં સૌથી વધુ પોઝિટીવ કેસો અમદાવાદ, સુરત અને વડોદરામાં છે. શ્રમિકો માટે અમદાવાદ કે સુરતથી ફોન જાય છે ત્યારે શ્રમિકો હાલ પાછા આવવાનો સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કરી રહ્યાં છે. પરપ્રાંતિય શ્રમિકોને અત્યારે ગુજરાતમાં આવવું નથી.રાજ્યના શ્રમ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાંથી 18 લાખ શ્રમિકો તેમના વતન જતા રહ્યાં છે પરંતુ તે પૈકી હવે તેઓ ધીમે ધીમે પાછા આવી રહ્યાં છે. તેમને જ્યારે પૂછ્યું કે ટ્રેનોમાં કેટલા શ્રમિકો એક સપ્તાહમાં પાછા આવ્યા ત્યારે તેમને કહ્યું કે એ આંકડો મારી પાસે નથી પરંતુ ટ્રેનોની અવરજવર શરૂ થતાં વતન ગયેલા શ્રમિકો પાછા આવી રહ્યાં હોવાનું ઉદ્યોગજૂથો કહી રહ્યાં છે. તેઓ શ્રમિકોનું સામૂહિક બુકિંગ પણ કરાવી રહ્યાં છે.
લોકડાઉનના સમયમાં અમદાવાદ થી ઉત્તરપ્રદેશના વારાણસીમાં રવાના થયેલી ટ્રેન સંપૂર્ણ ભરાયેલી હતી પરંતુ અનલોક-1ના સપ્તાહ પછી પાછી આવી ત્યારે તેમાં માત્ર 220 મુસાફરો જોવા મળ્યા હતા. અમદાવાદ અને સુરતને શ્રમિકો મળી રહ્યાં નથી, કારણ કે દર્દીઓની સંખ્યા અને સંક્રમણ વધારે છે.સામાન્ય રીતે ટ્રેનમાં 2000થી વધુ બેઠકો હોય છે પરંતુ જ્યારે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ટ્રેન આવે છે ત્યારે તેમાં 100 થી 200 મુસાફરો જોવા મળે છે. સ્લીપર અને જનરલ કોચમાં 60 ટકા બેઠકો ખાલી હોય છે. જે શ્રમિકોને તેમના રાજ્યમાં નોકરી મળી નથી તેવા શ્રમિકો ગુજરાત આવી રહ્યાં છે પરંતુ ઉદ્યોગજૂથના સંચાલકો બોલાવે અને સારા પગારની ઓફર કરે તો જ તેઓ ગુજરાત આવવા તૈયાર થાય છે.
ઉત્તર પ્રદેશની જેમ બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, રાજસ્થાન અને મધ્યપ્રદેશના શ્રમિકો ગુજરાત આવવા અત્યારે તૈયાર નથી. જે ઉદ્યોગજૂથના સબંધો શ્રમિકો સાથે સારા છે તેઓ સ્પેશ્યલ વાહન મોકલીને શ્રમિકોને બોલાવી રહ્યાં છે. શ્રમિકો હવે ટ્રેનમાં આવવા પણ તૈયાર નથી. અમદાવાદની એક મોટી હોટલનો સ્ટાફ રાજસ્થાની હતો. આ હોટલ માલિકે સ્પેશ્યલ વાહનો મોકલ્યા ત્યારે સ્ટાફ અમદાવાદ આવવા તૈયાર થયો છે પરંતુ આ વખતે શ્રમિકો વધારે પગાર માગી રહ્યાં છે.