અમદાવાદ શહેરનું નામ બદલવાના વલણ સામે ચારેબાજુથી વિરોધ થતા સરકારે નવો અખતરો કરવાનું ટાળ્યુ છે. ૬ઠ્ઠી નવેમ્બર કાળીચૌદશને મંગળવારથી શરૂ થયેલી નિવેદનબાજીના એક સપ્તાહ પછી નવા વર્ષમાં બુધવારે મળેલી કેબિનેટની પહેલી બેઠકમાં આ મુદ્દે એક શબ્દ શુધ્ધા ઉચ્ચારવામાં આવ્યો ન હતો. અમદાવાદનું કર્ણાવતી કરવાની પ્રક્રિયા પડકારરૂપ હોવાથી સરકારે દરખાસ્ત તો દૂર પણ અભ્યાસ માટે કાગળ ચિતરવાનું માંડી વાળ્યાનું જાણવા મળ્યુ છે.
સરકાર દ્રારા જણાવામાં આવ્યું હતું કે અમદાવાદનું નામ બદલવા પ્રક્રિયા શરૂ થશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા જ નામ બદલાશે તેમ મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતુ. એક સપ્તાહ પછી પણ સરકારે પ્રક્રિયા શરૂ કરી નથી. એટલુ જ નહી, શહેરી વિકાસ, પુરાતત્વ વિભાગ, કાયદા કે વૈધાનિક બાબતોના વિભાગોને આ સંદર્ભે કોઈ સુચના પણ મળી નથી.
દરમિયાન જસદણ વિધાનસભાની પેટાચૂંટણી, રાજ્યમાં અછતની સ્થિતિમાં લોકસભા ચૂંટણી પહેલાનો સમય ભાજપ સરકાર માટે પડકાર જનક છે ત્યારે અમદાવાદનું નામ બદલવાથી શહેરી મતદારોના વિરોધની નવી સમસ્યા સર્જે તે પહેલા જ પાળ બાંધી લેવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. જો કે, હજુ સુધી સત્તાવારપણે તેનો ફોડ પાડવાનું પણ સરકારે ટાળ્યુ છે.