અમદાવાદના બોપલ વિસ્તારમાં વર્ષ 2003ના હાઈપ્રોફાઇલ અને ચકચારિત સજની હત્યા કેસમાં અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે હત્યારા પતિની બેંગલુરુથી ધરપકડ કરી લીધી છે. આરોપી પતિએ અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધમાં 26 વર્ષીય પત્નીની હત્યા કરી નાંખી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે પંદર વર્ષ પછી તેને પકડી પાડ્યો છે. ફિમેલ RJ સાથેના પ્રેમસંબંધમાં 26 વર્ષીય પત્ની સંજનીની હત્યા પછી તરુણ જિનરાજ બેંગલુરુ ભાગી ગયો હતો અને દિલ્હીની કંપનીમાં ઓળખ છુપાવીને નોકરી કરતો હતો. તરુણ અહીં પ્રવીણ ભટેલીના નામથી રહેતો હતો. તેણે પોતાના મિત્રનું નામ ધારણ કરી લીધું હતું
વિગત મુજબ તરુણ ઓરેકલ કંપનીમાં સિનિયર મેનેજર તરીકે કામ કરતો હતો. અહીં સહકર્મી સાથે આંખ મળી જતાં તેની સાથે તરુણે લગ્ન કરી લીધા હતા. આ લગ્નસંબંધથી હાલ તરુણને બે બાળકો પણ છે. તરુણ છેલ્લા 6 વર્ષ વર્ષથી ઓરેકલ કંપનીમાં કામ કરે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંદર વર્ષ પહેલા કરેલી પત્નીની હત્યામાં પોલીસ તેને પકડી પાડશે તેવી કલ્પના પણ કદાચ તરુણને નહીં હોય. પોલીસને બાતમી મળી કે તરૂણ બેંગ્લુરુમાં નોકરી કરી રહ્યો છે. પોલીસે તરુણના સંબંધીના ફોન ટ્રેસમાં મુક્યા હતા. જેના પર ફોન કરતા પોલીસને બેંગલુરુમાં હોવાની માહિતી મળી હતી અને પોલીસે તેને ત્યાંથી દબોચી લીધો હતો.