Ahmedabad police : સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારાઓ માટે ચેતવણી, પોલીસે મોનિટરિંગ ટીમ બનાવી, થશે કાર્યવાહી
Ahmedabad police : આજના સમયમાં સોશિયલ મીડિયા ફક્ત મનોરંજન અને માહિતી માટે નહીં, પરંતુ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. અનેક લોકો પોતાની ધાક જમાવવા હથિયારો સાથેના વીડિયો પોસ્ટ કરતા હોય છે, પરંતુ હવે આવા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસે કમર કસી છે.
પોલીસની કડક કાર્યવાહી
અમદાવાદમાં છેલ્લાં કેટલાક સમયથી અસમાજિક તત્વો પોલીસ અને કાયદાને પડકાર ફેંકતા વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. તે અંતર્ગત, અમદાવાદ શહેર પોલીસે આવા વીડિયો સામે લાલ આંખ કરી છે. આવા શખ્સો સોશિયલ મીડિયામાં તલવાર, રિવોલ્વર કે અન્ય હથિયારો સાથે વિડીયો શેર કરી લોકોને ડરાવવા અને પોતાનું વર્ચસ્વ સ્થાપવા પ્રયત્ન કરતા હોય છે. આમ, હવે પોલીસ આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરશે.
મોનિટરિંગ ટીમની રચના
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક વિશેષ મોનિટરિંગ ટીમ રચી છે, જે નાગરિકોની સલામતી માટે આવા વીડિયો પર નજર રાખશે. છેલ્લા એક મહિનામાં પોલીસે 200થી વધુ ગેરકાયદેસર પોસ્ટ ડિલીટ કરાવી છે અને 50થી વધુ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 30થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. આ ઉપરાંત, પોલીસ આવા શખ્સોને ફરી આવી હરકત ન કરે તે માટે યોગ્ય માર્ગદર્શન અને ચેતવણી પણ આપી રહી છે.
ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા પોલીસની આઝમાઈશ
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ પ્રકારની ગુનાહિત પોસ્ટ બનાવવા પાછળ શખ્સોની એકબીજાની દેખાદેખી અને ઓછું શિક્ષણ જવાબદાર છે. પોતાને તાકાતવર સાબિત કરવા માટે આ શખ્સો આવી હરકતો કરે છે.
ભવિષ્યમાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આવા અસામાજિક તત્વો પર બાજ નજર રાખશે અને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે. પોલીસ દ્વારા સામાજિક શિસ્ત જાળવવા આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.
નાગરિકો માટે મહત્વની સલાહ
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આવી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ ન થાય. જો કોઈ શખ્સ કે જૂથ આવા વીડિયો પોસ્ટ કરે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.
આવી પોલીસની કામગીરીના કારણે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનશે અને અસામાજિક તત્વો પર અંકુશ રહેશે.