Ahmedabad Pallav bridge : પલ્લવ બ્રિજ થયો તૈયાર: હવે અખબારનગરથી વાસણા માત્ર 20 મિનિટમાં
Ahmedabad Pallav bridge : અમદાવાદના નાગરિકો માટે ટ્રાફિક થી રાહત આપતા મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરના 132 ફૂટ રિંગ રોડ પર બનેલો પલ્લવ બ્રિજ હવે સંપૂર્ણ રીતે તૈયાર થયો છે. આગામી દિવસોમાં આ બ્રિજ ખુલ્લો મુકાતા અખબારનગરથી વાસણા વચ્ચેની મુસાફરી ફક્ત 20 મિનિટમાં થઈ શકશે. આ નવો બ્રિજ દરરોજ લગભગ 1 લાખ વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ આપશે.
બે મોટા જંક્શનો વચ્ચે નવો બ્રિજ
132 ફૂટ રિંગ રોડ પર બે મહત્વપૂર્ણ જંક્શનોને જોડતો આ 935 મીટર લાંબો પલ્લવ બ્રિજ હવે અંતિમ ચકાસણીના તબક્કામાં છે. આ બ્રિજ સાથે લોકો બ્રિજ પર ઊભા રહેવાને બદલે સીધા ગંતવ્ય સ્થાને પહોંચી શકશે, જેના કારણે ટ્રાફિક જમાવટમાં નોંધપાત્ર ઘટાડો થશે.
લોડ ટેસ્ટિંગ અંતિમ તબક્કામાં
બ્રિજની મજબૂતાઈ ચકાસવા માટે હાલમાં લોડ ટેસ્ટિંગનું કાર્ય ચાલી રહ્યું છે. 300 ટન વજન ધરાવતા 10 ટ્રક બ્રિજ પર 24 કલાક માટે ઊભા રાખવામાં આવ્યા છે, જેથી બ્રિજની ક્ષમતા અને સલામતી ચકાસી શકાય. આ પ્રક્રિયા 18 એપ્રિલ સુધી ચાલુ રહેશે, ત્યાર બાદ મેથી આ બ્રિજ ટ્રાફિક માટે ખુલ્લો મુકવાની શક્યતા છે.
અંધજન મંડળ ખાતે ડબલ ડેકર બ્રિજની યોજના
ભવિષ્યમાં શહેરના ટ્રાફિકના વધુ ઉકેલ માટે અંધજન મંડળ ખાતે ડબલ ડેકર બ્રિજ બનાવવા પર પણ વિચારણા ચાલી રહી છે. હાલ તેની શક્યતાઓ અને ટેક્નિકલ ચકાસણી ચાલી રહી છે.
પલ્લવ બ્રિજનું નિર્માણ અને વિલંબ
આ બ્રિજનું કામ શરૂઆતમાં અજય ઈન્ફ્રાને સોંપવામાં આવ્યું હતું. પરંતુ કંપની પહેલાંના એક બ્રિજના વિવાદમાં ફસાતા આ કાર્ય સાંભળતા 8 મહિના માટે અટકી ગયું હતું. ત્યારબાદ બીજી કંપની માટે પ્રયત્નો થયા, પણ અંતે ફરીથી અજય ઈન્ફ્રાને જ કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી આપવામાં આવી હતી.
હવે જ્યારે બ્રિજ આખરે તૈયાર છે, ત્યારે અમદાવાદીઓ માટે રાહતના દિવસો નજીક છે – ટ્રાફિકની સમસ્યાથી થોડી મુક્તિ અને મુસાફરીમાં બચતો કિંમતી સમય…