Ahmedabad News: MPના ભૂતપૂર્વ સાંસદનો પુત્ર ગર્લફ્રેન્ડ માટે ચેઇન સ્નેચર બન્યો, મોંઘા શોખ પૂરા કરવા લૂંટમાં સંડોવાયો!
આરોપીએ તેની ગર્લફ્રેન્ડના મોંઘા શોખ પૂરા કરવા માટે ચેઇન સ્નેચિંગ શરૂ કર્યું હતું
આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી
Ahmedabad News: અમદાવાદમાં બનેલા ચેઇન સ્નેચિંગ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસને તપાસમાં ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. આ ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી કોઈ સામાન્ય ચેઇન સ્નેચર નહીં, પણ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ધારાસભ્યનો પુત્ર છે.
પોલીસે મધ્યપ્રદેશના વિજેન્દ્ર સિંહ ચંદ્રાવતના પુત્ર પ્રદ્યુમન સિંહને ઝડપી પાડ્યો છે. 25 જાન્યુઆરીએ મેમનગર વિસ્તારમાં 65 વર્ષીય મહિલાને લૂંટી લેવામાં આવી હતી. ગુરુકુલ રોડ પર મંગળસૂત્ર ઝૂંટવીને ભાગી ગયેલા આરોપીની ઓળખ માટે પોલીસે 250 થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસી, અને આખરે તેને થલતેજથી ઝડપી લીધો.
ગર્લફ્રેન્ડના શોખ માટે બન્યો લૂંટારો
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે પ્રદ્યુમન સિંહ મૂળ મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના માનસા તાલુકાના મલાહેડા ગામનો રહેવાસી છે. તેના પિતા 15 વર્ષ પહેલા ધારાસભ્ય રહ્યા હતા. હાલમાં તે અમદાવાદમાં એક નોકરી કરતો હતો, પણ તેનો પગાર તેની ગર્લફ્રેન્ડના મોંઘા શોખ માટે પૂરતો નહોતો.
પોલીસે આરોપીને ઝડપી પાડી તેના પાસેથી લૂંટાયેલા મંગળસૂત્રનો કબજો કર્યો છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે, અને પોલીસ આરોપીની ગર્લફ્રેન્ડ અને અન્ય સહયોગીઓ અંગે પણ તપાસ કરી રહી છે.