અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં એક અઠવાડીયામાં બે સોનાની દુકાનોમાં એક જ મોડ્સ ઓપરેન્ડી એટલે કે, બાકોરૂ પાડી લાખોના દાગીનાની ચોરી કરનાર ત્રણ આરોપીને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી બે ગુનાના ભેદ ઉકેલી નાખ્યા હતા.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક અઠવાડિયાથી સોનાના વેપારીઓમાં ફફડાટ મચી જવા પામી હતી. એક જ અઠવાડિયામાં સોનાની દુકાનમાં મોડી રાત્રે બાકોરૂ પાડીને લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરીયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. એક જ જેવી મોડસ ઓપરેન્ડી હોવા છતા પણ ચાંદખેડા પોલીસ આરોપીને પકડવામાં નિષફળ નીવડી હતી.
આ દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી હિતેષ પરમાર, હિતેષ પારેગી અને ભરતસિંહ રાઠોડને ઝડપીને 3 મોબાઈલ ફોન, 2 ડીવીઆર તથા ચોરીના દાગીનાઓ જપ્ત કર્યા હતા. આરોપીની પુછપરછ કરતા ચાંદખેડામાં થયેલી બંન્ને ચોરીને તેઓએ અંજામ આપ્યો હતો.
ચોરી કરતા પહેલા આરોપીઓ સોનીની દુકાનની રેકી કરતા હતા એટલું જ નહીં માણસોની હેરફેર કેટલી થાય છે તેવી પણ માહીતી એકત્રીત કરી રાત્રીના સમયે જ્વેલર્સની અડીને આવેલી દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશ કરી કોમન દિવાલમાં કટર તથા કોસ વડે બાકોરૂ પાડી ચોરી કરતા હતા.
આરોપીઓના ગુનાહીત ઈતિહાસની તપાસ કરતા હિતેષ પરમાર બનાસકાંઠા અને થરાદ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલો હતો જ્યારે હિતેષ પારેગી બે વર્ષ પહેલા માવસરી પોલીસ સ્ટેશનમાં દુધની ડેરીમાંથી રોકડની તથા દેરાસરમાંથી રોકડની ચોરી કરતા પકડાઈ ચુક્યો હતો.