Ahmedabad Heritage Walk: યુરોપ જેવું દેખાશે જુનું અમદાવાદ: હેરિટેજ વોકને મળશે નવો લુક
Ahmedabad Heritage Walk: આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી થઈ રહી છે અને એના સંદર્ભે અમદાવાદ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે. ભારતીય સંસ્કૃતિના નમૂનાઓમાંથી એક એવા જુના અમદાવાદના હેરિટેજ વોકને હવે યુરોપિયન સ્ટાઇલમાં પરિવર્તિત કરવાની તૈયારી છે. શહેરની ઐતિહાસિક ઓળખ ધરાવતું આ હેરિટેજ વોક રૂટ હવે એક નવો લુક ધરાવશે જેમાં પથ્થરથી બનેલા માર્ગો, એકસરખો રંગ અને ડિજિટલ માહિતીઓનો સમાવેશ કરવામાં આવશે.
યુરોપ જેવા પથ્થર અને યુનિક કલર થીમ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના બે કિલોમીટરના હેરિટેજ વોક રૂટને યુરોપ જેવી સ્ટ્રીટ લુક આપવામાં આવશે. આ રૂટ પર યુરોપના રસ્તાઓ જેવા પથ્થરો લગાવવામાં આવશે, અને તમામ હેરિટેજ બિલ્ડિંગોના આગળના ભાગને એક સમાન રંગથી રંગવામાં આવશે જેથી સમગ્ર વિસ્તારમાં એકરૂપતા ઉભી થાય.
તમામ માહિતી મળશે QR કોડ થકી
હેરિટેજ વોક દરમિયાન મુલાકાતીઓને દરેક ઐતિહાસિક સ્થાન વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે દરેક પોઈન્ટ પર QR કોડ લગાવવામાં આવશે. મુલાકાતી માત્ર ફોનથી સ્કેન કરતા જ દરેક સ્થળનું ઐતિહાસિક મહત્વ, તેની રચના અને વારસાને સમજવા મદદરુપ માહિતી મેળવી શકશે.
ત્રણ તબક્કામાં પૂરો થશે રૂટનો નવો લુક
મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટએ જણાવ્યા મુજબ, રૂ. 29 કરોડના ખર્ચે હેરિટેજ વોકને ત્રણ તબક્કામાં નવી રીતે ડેવલપ કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત આગામી મહિને યોજાશે અને દિવાળી સુધીમાં તે પૂર્ણ થવાની આશા છે. બાકીના તબક્કા આગામી બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
લાઇટિંગ, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા પણ સુધરશે
રૂપાંતર અંતર્ગત રૂટ પર ડેકોરેટિવ લાઇટિંગ, સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી સિસ્ટમ અને પાર્કિંગ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. સાથે સાથે હેરિટેજ વોક વિસ્તારમાં લટકતા વાયર, જૂના બેનરો અને અનાવશ્યક સાઈનબોર્ડ પણ દૂર કરવામાં આવશે. માર્ગદર્શન માટે નવા સાઈનબોર્ડ પણ લગાવાશે.
અમદાવાદનું હેરિટેજ સફરઃ 1984થી શરૂ, 2017માં મળ્યો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો
અમદાવાદ શહેરના હેરિટેજ સ્ટેટસની સફર વર્ષ 1984માં શરૂ થઈ હતી જ્યારે ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા શહેરના ઐતિહાસિક વારસાને બચાવવાનો પહેલો પ્રયાસ થયો. ત્યારબાદ AMC દ્વારા કાળુપુર સ્વામિનારાયણ મંદિરથી હેરિટેજ વોકની શરૂઆત કરવામાં આવી અને હેરિટેજ સેલ પણ રચાયો. વર્ષ 2011માં શહેરનું નામ યુનેસ્કોની ટેમ્પોરરી યાદીમાં આવ્યું અને આખરે 8 જુલાઈ 2017ના રોજ અમદાવાદને ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્યતા મળી.
આ નવી પહેલથી હેરિટેજ વોકનો અનુભવ થશે વધુ અનોખો અને ટેક્નોલોજીથી સજ્જ, જેને લીધે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે જૂનું અમદાવાદ વધુ આકર્ષક બનશે.